ઇંગ્લેન્ડે આઇસીસી વર્લ્ડ કપ જીત્યો, ન્યૂઝીલેન્ડે ક્રિકેટચાહકોના દિલ જીત્યા

Monday 15th July 2019 08:23 EDT
 
 

લંડનઃ આઇસીસી વર્લ્ડ કપના અત્યાર સુધીના સૌથી રોમાંચક ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે ઝમકદાર વિજય સાથે ટાઇટલ કબ્જે કર્યું છે. મેચની આખરી ઓવરના આખરી બોલ સુધી જ નહીં, પરંતુ સુપર ઓવરના પણ અંતિમ બોલ સુધી રસાકસીપૂર્ણ બની રહેલી મેચ ક્રિકેટચાહકો માટે જિંદગીભરનું સંભારણું બની રહેશે તેમાં બેમત નથી.
ક્રિકેટનું કાશી ગણાતા લોર્ડ્સ મેદાનમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૪૧ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૪૧ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ મેચ ટાઇ થઈ હતી. આ પછી સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ ૧૫ રન કર્યાં. તો ન્યૂઝીલેન્ડે પણ ૧૫ રન કરતાં ફરી એક વખત ટાઇ પડી હતી. જોકે ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં વધારે બાઉન્ડ્રી (૨ ચોગ્ગા) ફટકારી હોવાના કારણે આઇસીસીના નિયમ મુજબ તેને વિશ્વ વિજેતા જાહેર કરાયું હતું. ૪૪ વર્ષ બાદ ઇંગ્લેન્ડ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
મેચ આખરી ઓવર સુધી ન્યૂઝીલેન્ડની તરફેણમાં હતી, તેનો જ વિજય નિશ્ચિત જણાતો હતો, પરંતુ છેલ્લી ઓવરના ચોથા બોલે ઓવર-થ્રોની બાઉન્ડ્રી જતાં મેચ સરકીને ઇંગ્લેન્ડના હાથમાં જતી રહી હતી.
આ સાથે જ ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતનાર છઠ્ઠો દેશ બની ગયો છે. આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન તથા શ્રીલંકા ચેમ્પિયન બની ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં હારી ગઇ છે. ૨૦૧૫માં તેને ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. સ્ટાર બેટ્સમેન બેન સ્ટોક્સ તથા જોસ બટલરે નોંધાવેલી સદીની ભાગીદારીના કારણે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું છે. બેન સ્ટોક્સે ૯૮ બોલમાં અણનમ ૮૪ તથા બટલરે ૫૯ રન બનાવ્યા હતા.

૨૦૧૫નો સ્ટાર ગપ્ટિલ ફ્લોપ

ગત વર્લ્ડ કપમાં આક્રમક બેટિંગ કરીને છવાઇ જનાર ન્યૂઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગપ્ટિલ આ વખતે સદંતર ફ્લોપ રહ્યો છે એમ કહી શકાય. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ગપ્ટિલે કુલ ૧૮૬ રન બનાવ્યા છે અને તેમાં એક જ વખત ૭૩ રનની મોટી ઇનિંગ સામેલ છે. તે આ વર્લ્ડ કપમાં બે વખત ગોલ્ડન ડકનો શિકાર થયો હતો. આ ઉપરાંત તે ત્રણ ઇનિંગ્સમાં બેવડાં આંકનો સ્કોર પણ કરી શક્યો નહોતો. ગપ્ટિલે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ૨૩૭ રનની શાનદાર ઇનિંગ સહિત કુલ ૫૪૭ રન બનાવ્યા હતા. ગુપ્ટિલે ફાઇનલ સહિતની ૧૦ મેચમાં ૨૦.૬૬ની સરેરાશથી ૧૮૬ રન બનાવ્યા છે, ૭૩ રનની ઇનિંગ્સને બાદ કરીએ તો તેની એવરેજ ૧૨.૫૫ની રહે છે.

કેપ્ટન કેનનો રેકોર્ડઃ કુલ ૫૭૮ રન

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને કેપ્ટન તરીકે સર્વાધિક રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. વિલિયમ્સને વર્તમાન વર્લ્ડ કપમાં ૫૭૮ રન બનાવ્યા છે અને સર્વાધિક રન બનાવવાની યાદીમાં ચોથા ક્રમે છે. જોકે તેણે કેપ્ટન તરીકે સર્વાધિક રન બનાવ્યા છે. તેણે શ્રીલંકાના જયવર્દનેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જયવર્દનેએ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ૫૪૮ રન બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter