રાજકોટઃ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે ૭૦ વર્ષે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી તે સિદ્ધિનો શિલ્પી છે ચેતેશ્વર પૂજારા. અત્યારે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન વન-ડે વર્લ્ડ કપ પર છે ત્યારે ચેતેશ્વરના મતે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાનું મહત્ત્વની દાવેદાર છે.
ચેતેશ્વરે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘આપણી સ્ટ્રેન્થ બોલિંગ છે. આપણા ફાસ્ટ બોલર્સ ટેસ્ટ મેચ તથા લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે. આ બોલિંગ સાથે જો સારી બેટિંગનો સમન્વય થાય તો વર્લ્ડ કપ જીતવાનો બેસ્ટ ચાન્સ છે. આપણા અનેક ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં વ્હાઇટ બોલમાં રમી ચૂક્યા છે. આપણે ટેસ્ટ સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમ્યા હોવાથી આપણા ખેલાડીઓ ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છે.
ઓસ્ટ્રેલિયામાં મેન ઓફ ધ સિરીઝ બનેલો ચેતેશ્વર વિદેશી ધરતી પર તેની સફળતાના રહસ્ય અંગે કહે છે કે, ‘ઓસ્ટ્રેલિયા ટૂર પહેલાં હું ખાસ પ્રેક્ટિસ માટે રાજકોટ આવ્યો હતો. અહીંની બે અઠવાડિયાની પ્રેક્ટિસ મને ઓસ્ટ્રેલિયામાં ખૂબ કામ લાગી. આ ઉપરાંત મારી ટેસ્ટ ક્રિકેટ કરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે થઈ હતી. જેથી ટીમના ગેમપ્લાનિંગનો મને અંદાજ છે. વધુમાં મને સ્લેજિંગની અસર થતી ન હોવાથી પણ સારો દેખાવ કરી શક્યો.’
ઓસ્ટ્રેલિયન કેપ્ટને ચેતેશ્વરના કરેલા વખાણને પૂજારા ખેલભાવનાની અભિવ્યક્તિ ગણાવે છે.