ક્રાઇસ્ટચર્ચઃ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજય સંદર્ભે તૈયાર કરાયેલા એક પુસ્તકમાં ઘટસ્ફોટ કરાયો છે કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સુપર ઓવર રમતાં પહેલાં પોતાને તણાવમુક્ત કરવા માટે સિગારેટ બ્રેક લીધો હતો. નોંધનીય છે કે બરાબર એક વર્ષ પહેલાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને વિવાદાસ્પદ બાઉન્ડ્રી નિયમની ગણતરીના આધારે હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
ફાઇનલ મેચ ટાઇ રહી હતી અને ત્યારબાદ સુપર ઓવર પણ સરભર રહી હતી. આ ઐતિહાસિક સિદ્ધિના એક વર્ષ પૂરા થવા ઉપર એક પુસ્તક ‘મોર્ગન મેન: ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઇંગ્લેન્ડ રાઇઝ ઓફ ક્રિકેટ વર્લ્ડ કપ - હ્યુમિલિએશન ટુ ગ્લોરી’માં ખુલાસો કરાયો છે કે લોર્ડ્ઝ ખાતે તે દિવસે સ્ટોક્સ કેટલો માનસિક દબાણ હેઠળ હતો.
નિક હોલ્ટ અને સ્ટિવ જેમ્સ દ્વારા તૈયાર કરાયેલા આ પુસ્તકમાં પ્રકાશિત માહિતી અનુસાર, સુપર ઓવર પહેલાં ૨૭ હજાર પ્રેક્ષકોથી ભરેલા સ્ટેડિયમમાં અને પ્રત્યેક જગ્યાએ લાગેલા કેમેરાની નજરની વચ્ચે એકાંત શોધવું ખૂબ જ મુશ્કેલ હતું. જોકે સ્ટોક્સ ઘણી વખત આ ઐતિહાસિક મેદાનમાં રમી ચૂક્યો હોવાથી તે પ્રત્યેક ખૂણેખૂણાથી વાકેફ છે. ઇયોન મોર્ગન ઇંગ્લેન્ડના ડ્રેસિંગરૂમમાં તનાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્ટોક્સે પોતાના માટે શાંતિની કેટલીક પળો શોધી હતી.
પુસ્તક અનુસાર, સ્ટોક્સ ધૂળ અને પરસેવાથી લથબથ હતો. તેણે તણાવભરી પળોમાં બે કલાક ૨૭ મિનિટ સુધી બેટિંગ કરી હતી. તે પાછો ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં ગયો હતો અને તેણે શાવર લીધો હતો. ત્યાં તેણે સિગારેટ સળગાવી હતી અને કેટલીક મિનિટો શાંતિમાં ગાળી હતી. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ બનેલા સ્ટોક્સે અણનમ ૮૪ રનની ઇનિંગ્સ રમવા ઉપરાંત સુપર ઓવરમાં પણ આઠ રન બનાવ્યા હતા.