દુબઇઃ આઇસીસીએ ભારતની યજમાનીમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપની પ્રાઇઝ મની જાહેર કરી દીધી છે અને ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મનીનું કુલ બજેટ 82.93 કરોડ રૂપિયા (10 મિલિયન યુએસ ડોલર) રાખ્યું છે.
આઇસીસીએ જણાવ્યું હતું કે ચેમ્પિયન બનનાર ટીમને 33.17 કરોડ રૂપિયા અને રનર્સ-અપ ટીમને 16.59 કરોડ રૂપિયાની પ્રાઇઝ મળશે. ગ્રૂપ તબક્કામાં તમામ 10 ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટ મુજબ રમશે અને ટોચની ચાર ટીમ સેમિ-ફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિ-ફાઇનલ હારનાર ટીમને 6.63 કરોડ રૂપિયા અને ગ્રૂપ રાઉન્ડમાંથી બહાર થનાર ટીમને 82.92 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત ગ્રૂપ રાઉન્ડમાં પ્રત્યેક મેચ જીતનાર ટીમને 33.17 લાખ રૂપિયા આપવામાં આવશે.
13મા વન-ડે વર્લ્ડ કપમાં 10 ટીમો વચ્ચે કુલ 48 મુકાબલા રમાશે. 46 દિવસ સુધી રમાનારી આ ઇવેન્ટ પહેલાં પ્રત્યેક ટીમો બે વોર્મ-અપ મેચો રમશે. પાંચમી ઓક્ટોબરે ઓપનિંગ તથા 19નવેમ્બરે ફાઇનલ રમાશે. આ બંને મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.