દુબઈઃ આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં સોમવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડકપની વોર્મ-અપ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને છ બોલ બાકી રાખીને સાત વિકેટે પરાજય આપીને પોતાની તૈયારીને વધારે મજબૂત બનાવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ ભરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે જોન બેરિસ્ટોના ૪૯ તથા મોઈન અલીના અણનમ ૪૩ રનની મદદથી પાંચ વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ભારતે લોકેશ રાહુલ અને ઇશાન કિશનની અડધી સદીની મદદથી ૧૯ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૨ રન બનાવીને વિજય મેળવ્યો હતો. રનચેઝ કરનારા ભારત માટે રાહુલે ૨૪ બોલમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૫૧ રન બનાવ્યા હતા. ઇશાન કિશન ૪૬ બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૭૦ રન બનાવીને રિટાયર્ડ થયો હતો. રિષભ પંતે અણનમ ૨૯ રન બનાવ્યા હતા.
ડબલ હેટ્રિકઃ ચાર બોલમાં ચાર વિકેટ
ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભિક બે દિવસમાં કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફરે સોમવારે નેધરલેન્ડ્સ સામે રાઉન્ડ-૧ના ગ્રૂપ એના મુકાબલામાં ડબલ હેટ્રિકની સિદ્ધિ મેળવી હતી. કેમ્ફરે ચાર બોલમાં ચાર વિકેટ હાંસલ કરીને ટી૨૦ વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે બીજો બોલર બન્યો છે. કેમ્ફર ટી૨૦ વર્લ્ડ કપમાં આયરલેન્ડ તરફથી હેટ્રિક નોંધાવનારા પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. ૨૦૦૭માં રમાયેલા પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર બ્રેટલીએ આ મેગા ઇવેન્ટમાં પ્રથમ હેટ્રિક મેળવનાર બોલ બનવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે બાંગ્લાદેશ સામે હેટ્રિક નોંધાવી હતી.
વર્લ્ડ કપનો પહેલો અપસેટ
યુએઇ અને ઓમાનમાં રવિવારથી શરૂ થયેલી ટી૨૦ વર્લ્ડ કપના પહેલા દિવસે મોટો ઊલટફેર જોવા મળ્યો હતો. બીજી મેચમાં સ્કોટલેન્ડે તેમનાથી ઘણી મજબૂત એવી બાંગ્લાદેશની ટીમને ૬ રનથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. સ્કોટલેન્ડે બાંગ્લાદેશને ૧૪૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૪૧ રનનો પીછો કરતાં બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે બંને ઓપનરને ફક્ત ૧૮ રનમાં ગુમાવી દીધા હતા. સ્કોટીશ સ્પીનરોએ બાંગ્લાદેશી બેટ્સમેન્સને રન કરવાની બહુ ઓછી તક આપી હતી. બાંગ્લાદેશની ટીમ સાત વિકેટ ગુમાવ્યા બાદ ૧૩૪ રનમાં જ સમેટાઇ ગઇ હતી.
ભારત સામે હાર્યા તો ખેર નથીઃ પાક. કેપ્ટનને ધમકી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ માટે બન્ને દેશના ચાહકોમાં કેવી લાગણી પ્રવર્તતી હોય છે તે તો સૌ કોઇ જાણે છે. ટી૨૦ વિશ્વ કપમાં રવિવારે ફરી એક વાર બન્ને ટીમ આમનેસામને ટકરાવાની ત્યારે અત્યારથી જ માહોલમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું છે. પાકિસ્તાન ટીમના એક ફેને પાક ટીમના કેપ્ટન બાબર આઝમને ખુલ્લી ધમકી આપી દીધી છે કે જો ૨૪ ઓક્ટોબરની મેચ જીતાડશો નહીં તો ઘરમાં આવવા નહીં દઇએ. આ ચાહકે ધમકીભર્યો રિપ્લાય બાબર આઝમના ટ્વિટર ઉપર જ પોસ્ટ કર્યો છે.
ટી૨૦ વિશ્વ કપ-૨૦૨૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૪ ઓક્ટોબરે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર મેચ રમાશે. આ મેચને લઇને ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ બન્ને કટ્ટર હરીફ ટીમો વચ્ચે જ્યારે પણ મુકાબલો યોજાય છે ત્યારે ફક્ત ખેલાડીઓ જ નહીં તેના ફેન્સને પણ જીતથી ઓછું કશું ખપતૂં હોતું નથી. મેચની પહેલા જ ચાહકોની પ્રતિક્રિયા આવવા લાગે છે.