લખનૌઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની 29મી મેચમાં ટીમ ઇન્ડિયાએ ગત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 100 રને ભૂંડો પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી.
આ સાથે જ ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાં સ્થાન મેળવવાના આરે પહેંચી ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ ટીમ ટૂર્નામેન્ટની બહાર ફેંકાવાની નજીક છે.
લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ઇંગ્લીશ સુકાની જોસ બટલરે પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટના ભોગે 229 રન બનાવ્યા હતા.
બેટિંગ માટે જરા મુશ્કેલ વિકેટ પર ભારતીય બેટિંગ લાઇનઅપ સારો દેખાવ કરવામાં સફળ રહી નહોતી. ટીમ ઇન્ડિયા વતી સુકાની રોહિત શર્મા (87) અને સૂર્યકુમાર યાદવ (49) કંઇક સારો દેખાવ કરી શક્યા હતા. જોકે આટલા નાના સ્કોરને જોતાં મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવતી ઈંગ્લેન્ડ ટીમ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કરી લેશે તેમ જણાતું હતું.
જોકે ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર્સ અને સ્પિનર્સે ઇંગ્લીશ બેટ્સમેનોને છૂટથી રમવા દીધા નહોતા અને પોતાની ચુસ્ત લાઇન-લેન્થ સાથેની બોલિંગ વડે હરીફ ટીમને 129 રનમાં જ પેવેલિયન ભેગી કરી દઇને જીત મેળવી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટમાં પોતાની સતત છઠ્ઠી જીત મેળવી હતી અને સાથે જ ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઇ હતી. ભારત વતી મોહમ્મદ શમીએ ચાર, જસપ્રીત બુમરાહે ત્રણ, કુલદીપ યાદવે બે અને રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડનો શરમજનક વિક્રમ
આ પરાજયની સાથે જ વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇંગ્લેન્ડે વધુ એક શરમજનક રેકોર્ડ કર્યો છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલી વાર વર્લ્ડકપમાં સતત પાંચ મેચ હારી છે. જ્યારે ભારત માત્ર બીજી વાર પોતાની પહેલી છ મેચો જીત્યું છે. આ પહેલા 2015માં ભારત પોતાની પહેલી છ મેચ જીત્યું હતું. રોહિત શર્માને શાનદાર ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો..