નવી દિલ્હીઃ આઇસીસી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમામ ટીમો ભારત પહોંચી ગઇ છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લઇ રહી છે. તેમાંથી 8 દેશના કેપ્ટન પહેલીવાર વર્લ્ડ કપમાં ટીમનું સુકાન સંભાળશે. 2019થી 2023 દરમિયાન વર્લ્ડ ક્રિકેટમાં ઘણું બધું બદલાયું છે. ગત વર્લ્ડ કપમાં રમેલી 10માંથી 9 ટીમ ફરી વર્લ્ડ કપમાં ભાગ લઇ રહી છે જ્યારે 1975 અને 1979માં વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલી વાર વર્લ્ડ કપમાં નથી. તેની જગ્યાએ આ વખતે નેધરલેન્ડની ટીમ રમશે.
• રોહિત શર્મા: યજમાન ભારતનું સુકાનીપદ આ વખતે રોહિત શર્મા સંભાળશે. 2019ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલી કેપ્ટન હતો. ત્યારે ભારત સેમીફાઇનલ સુધી પહોંચ્યું હતું. રોહિત 2021ના અંતમાં કેપ્ટન બન્યો હતો. તેની કેપ્ટનશિપમાં ભારત ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ, ટેસ્ટ ચેમ્પિયનશિપ હાર્યું હતું
• કેન વિલિયમસન: ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન એવો એકમાત્ર ખેલાડી છે કે જે 2019માં પણ કેપ્ટન હતો અને આ વખતે પણ કેપ્ટન છે. જોકે તે ઇંગ્લેન્ડ સામેની પ્રારંભિક મેચ ગુમાવી શકે છે. તેવી સ્થિતિમાં તે મેચમાં ટોમ લાથમ ન્યૂઝીલેન્ડનું સુકાનીપદ સંભાળી શકે છે. વિલિયમસન બાદમાં વાપસી કરી શકે છે.
• જોસ બટલર: 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ઇયોન મોર્ગનની કેપ્ટનશિપમાં ખિતાબ જીતવા સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું. આ વખતે મોર્ગન ટીમમાં નથી. તેના સ્થાને જોસ બટલર કેપ્ટન છે. બટલરે ગત વર્ષે ઇંગ્લેન્ડને ટી20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ વન ડે વર્લ્ડ કપ જીતવા પ્રબળ દાવેદાર છે.
• પેટ કમિન્સ: ઓસ્ટ્રેલિયા 2019નો વર્લ્ડ કપ એરોન ફિંચની કેપ્ટનશિપમાં રમ્યું હતું. ત્યારે ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી હતી. આ વખતે પેસ બોલર પેટ કમિન્સ કેપ્ટન છે. હવે એ જોવાનું છે કે કમિન્સ ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતાડી શકે છે કે નહીં? ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટ જીતવા માટે દાવેદાર છે.
• સાકિબ અલ હસન: વિલિયમસન સિવાય સાકિબ એવો બીજો ખેલાડી છે કે જે વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ સંભાળશે. સાકિબ 12 વર્ષ બાદ વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રમશે. તેણે છેલ્લે 2011ના વર્લ્ડ કપમાં સુકાનીપદ સંભાળ્યું હતું ત્યારે પણ વર્લ્ડ કપની કેટલીક મેચો ભારતમાં રમાઇ હતી.