વર્લ્ડ ચેમ્પિયન બની દિગ્ગજોની વિદાય

Friday 05th July 2024 05:14 EDT
 
 

ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યા બાદ જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાંથી નિૃવત્તિ જાહેર કરી. જે પછી કેપ્ટન રોહિત શર્મા અને તેના થોડાક કલાકો બાદ રવીન્દ્ર જાડેજાએ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે રોહિત, કોહલી અને જાડેજા આઇપીએલ રમતા રહેશે. આ ટૂર્નામેન્ટ સાથે કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે.
રોહિત શર્મા: કેપ્ટન રોહિતે ફાઈનલ સાથે 53 ટી-20 ઇન્ટરનેશનલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. તેણે 61 માંથી 50 મેચમાં ટીમને જીત અપાવી. તે ટી-20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. તે ધોનીનાં નેતૃત્વમાં ચેમ્પિયન બનેલી ટીમનો ભાગ હતો. આ વર્લ્ડ કપમાં ટીમ એકેય મેચ હાર્યા વિના ચેમ્પિયન બની, જે ટી-20માં રેકોર્ડ છે. 2007માં ટી-20 કરિયર શરૂ કરનાર રોહિત તમામ વર્લ્ડ કપ રમનાર પ્રથમ ભારતીય છે. 17 વર્ષમાં રોહિતે સૌથી વધુ 159 ટી-20 મેચ રમતા 32.05ની સરેરાશથી સૌથી વધુ 4231 રન કર્યા. રોહિતે કહ્યું કે હાથમાં ટ્રોફી સાથે વિદાય અલગ જ છે. રોહિતના નામે ટી-20માં 5 સદી છે, જે સંયુક્ત વર્લ્ડ રેકોર્ડ છે. તેની 32 અડધી સદી છે. વર્લ્ડ કપમાં રોહિતે 47 મેચમાં 1220 રન, 50 છગ્ગા ફટકાર્યા. તેના નામે ટી-20માં 205 સિક્સનો વિક્રમ છે.
વિરાટ કોહલીઃ ટી-20 વર્લ્ડ કપમાં કોહલી હાઈએસ્ટ સ્કોરર છે. કોહલીએ 35 મેચમાં 58.72ની સરેરાશથી 1292 રન કર્યા અને 15 અડધી સદી ફટકારી છે. કોહલી 2012, 2014, 2016, 2021, 2022 અને 2024ના વર્લ્ડ કપ રમ્યો છે. 14 વર્ષ લાંબી ટી20 કરિયરમાં 125 મેચ રમતા 4188 રન કર્યા હતા. તે રોહિત બાદ ટી-20માં બીજા ક્રમે છે. કોહલી ટી-20માં 3 હજાર અને 4 હજાર રનની સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી હતો. કોહલીએ વર્લ્ડ કપ જીત્યા બાદ લખ્યું હતું - આનાથી સારા દિવસની કલ્પના ના કરી શકાય. પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર 1.6 કરોડથી વધુ લાઈક મળી હતી. 2024નાં ટી-20 વર્લ્ડ કપ અગાઉ સુધી કોહલીનાં ટીમમાં સ્થાન અંગે પણ સવાલ હતા. વર્લ્ડ કપ દરમિયાન તેના પ્રદર્શને ટીકાકારોને બોલવાની તક આપી પરંતુ ફાઈનલમાં મેચ વિનિંગે કોહલીએ ટીકાકારોને ચૂપ કરાવતા ટી20 કરિયરનો અંત કર્યો છે.
રવીન્દ્ર જાડેજા: કાઠિયાવાડના બાપુ જાડેજાએ 2009માં શ્રીલંકા સામે ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટી-20 કરિયરમાં 74 મેચમાં 21.45ની સરેરાશથી 515 રન કર્યા છે. બોલિંગમાં 7.13ની ઈકોનોમી સાથે 54 વિકેટ પણ લીધી છે. તે 2009થી 2024 સુધીનાં વર્લ્ડ કપમાં રમ્યો છે. જેમાં જાડેજાએ 130 રન કર્યા અને 22 વિકેટ લીધી. તેણે એશિયા કપમાં 6 મેચો રમી હતી. રસપ્રદ એ છે કે જાડેજાને પહેલી ને છેલ્લી મેચમાં વિકેટ મળી નથી.
વિન્ડીઝમાં હાર બાદ દ્રવિડે કેપ્ટન્સી છોડી હતી
કોચ રાહુલ દ્રવિડ: રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં 2007 વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની હારને કારણે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ જતાં દ્રવિડે કેપ્ટન પદ છોડ્યું અને 2007માં જ ધોનીની કેપ્ટન્સીમાં પ્રથમ ટી-20 વર્લ્ડ કપ ભારતે જીત્યો. હવે ભારત 17 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે ત્યારે દ્રવિડ ટીમના કોચ હતા. 17 વર્ષ પહેલા વિન્ડીઝમાં હાર સાથે કેપ્ટનશીપ છોડનાર દ્રવિડે વિન્ડીઝમાં જ ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી છે. આ વખતે ટીમ એકેય મેચ હાર્યા વિના ચેમ્પિયન બની જે ટી-20 વર્લ્ડ કપમાં રેકોર્ડ છે. દ્રવિડનાં કોચ રહેતા ભારત વન-ડે વર્લ્ડ કપ 2023 અને ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 રનરઅપ રહ્યું હતું. 2022માં ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલ રમ્યું હતું. દ્રવિડની કોચિંગમાં ભારતે 24 માંથી 17 ટેસ્ટ જીતી અને 7 ગુમાવી. વન-ડેમાં 13માંથી 10 દ્વિપક્ષીય સિરીઝ જીતી, 56 માંથી કુલ 41 મેચો જીતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter