નવી દિલ્હી, તા. 7ઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ વિજેતા બનાવનાર કેપ્ટન રોહિત શર્માને હવે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવાની જવાબદારી સોંપી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે, ટીમ ઈન્ડિયા આગામી ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને આવતા વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ જ રમવા ઉતરશે.
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ ભારત ક્રિકેટમાં 11 વર્ષના આઇસીસી ટ્રોફીના દુકાળનો અંત આણતા ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાલ ચાલી રહેલી સાઈકલ 2025માં પુરી થશે. જ્યારે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાવાની છે. બીસીસીઆઈ સેક્રેટરીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, રોહિત શર્માની આગેવાનીમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતશે.
આ વીડિયોમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમના છેલ્લા બે વર્ષના શાનદાર દેખાવને બિરદાવ્યો હતો. આ ઉપરાંત ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વ્યક્તિગત વિજયી દેખાવની પણ સરાહના કરી હતી.
રૂ. 125 કરોડઃ વર્લ્ડ કપ જીતવાનો પુરસ્કાર
ભારતીય ટીમે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી સેક્રેટરી જય શાહે ટીમ માટે 125 કરોડનાં ઈનામની જાહેરાત કરી હતી. અહેવાલ અનુસાર, ટીમના દરેક 15 ખેલાડીઓ તથા ટીમને ચેમ્પિયન બનાવનાર હેડ કોચને 5-5 કરોડ રૂપિયા મળશે. તો વર્લ્ડ કપમાં એકેય મેચ ના રમી શકનાર ત્રણેય ખેલાડી સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલને પણ 5-5 કરોડ રૂપિયા મળશે. જ્યારે ટીમ સાથે જોડાયેલા રિઝર્વ પ્લેયર્સ - રિન્કુ સિંહ, શુભમન ગિલ, આવેશ ખાન અને ખલીલ અહમદને પણ 1-1 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત સપોર્ટિંગ સ્ટાફ માટે પણ પુરસ્કાર જાહેર થયા છે.