નવી દિલ્હીઃ ભારતના ટોચના ગોલ્ફરની યાદીમાં સ્થાન ધરાવનાર અનિબાર્ન લાહિડીએ વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. લાહિડી આ સપ્તાહ ખૂબ જ મહત્ત્વનું પૂરવાર થયું છે. લાહિડી વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-૫૦માં પહોંચવાની સાથે સાથે યુરોપીય રેસ ટુ દુબઈમાં પણ ટોપ-૧૦માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ઓમેગા યુરોપીય માસ્ટર્સમાં લાહિડીએ ૭.૬૮ પોઇન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું અને તેના જોરે વર્લ્ડ ટોપ-૫૦માં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. અનિબાર્ન હવે પ્રેસિડેન્ટ્સ કપની યાદીમાં ટોપ-૧૦માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ગોલ્ફના નિષ્ણાતોના મતે જો અનિર્બાન વર્લ્ડ ટોપ-૫૦માં મેળવેલું સ્થાન સપ્ટેમ્બર સુધી યથાવત્ રાખવામાં સફળ થશે તો ઈન્ટરનેશનલ ટીમમાં તેને આપોઆપ સ્થાન મળી જશે. આમ થશે તો લાહિડી ઈન્ટરનેશનલ ટીમમાં સીધું સ્થાન મેળવનારો પહેલો ભારતીય ખેલાડી બનશે. ગયા અઠવાડિયે બ્રિટિશ ઓપન બાદ તેના રેન્કિંગમાં ૧૧ ક્રમનો ઉછાળો આવ્યો છે. ૨૮ વર્ષનો લાહિડી આ વર્ષે મલેશિયન ઓપન અને હીરો ઈન્ડિયન ઓપન જીતી ચૂક્યો છે.