આણંદઃ નગરના જીટોડીયા ગામમાં રહેતી આંતરરાષ્ટ્રીય શુટર અને ગુજરાત પોલીસમાં આર્મ્ડ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ ચીનના ચેંગડુમાં ચાલી રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૧૯માં વ્યકિતગત સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી ટીમ ઇવેન્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ભારત માટે એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ લજ્જા ગોસ્વામીએ સ્વાતંત્ર્ય દિન પર્વની પૂર્વે બે ગોલ્ડ મેડલ જીતની દેશવાસીઓને અનોખી ભેટ અર્પણ કરી છે.
૬૦૦ સ્કોરમાંથી સૌથી વધુ ૫૮૬ સ્કોર
આંતરરાષ્ટ્રીય શુટર લજ્જા ગોસ્વામીએ શુટીંગ સ્પર્ધામાં અગાઉ ૨૨ મેડલ મેળવ્યા છે. હાલ તેઓ ગુજરાત પોલીસમાં આર્મ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસકર્મીઓ માટે વિશ્વ કક્ષાની સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે. દેશમાંથી ૧૫૦થી વધુ રમતવીરોની આ સ્પર્ધા માટે પસંદગી થાય છે. હાલમાં ચીન ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ રમાઈ રહી છે.
સોમવારે લજ્જા સ્વામીએ પોઇન્ટ ૨૨ સ્પોર્ટ્સ રાયફલ થ્રી-પોઝિશન વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૬૦૦ સ્કોરમાંથી તેણે સૌથી વધુ ૫૮૬ સ્કોર મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત આ જ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમે વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કરી ગુજરાત પોલીસનો ડંકો ચાઈનામાં વગાડ્યો છે.
આ ઉપરાંત લેઇંગ પોઝિશન પોઇન્ટ ૨૨ રાયફલ શુટીંગ સ્પર્ધામાં ટીમ ઇન્ડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ટીમમાં પણ લજ્જા ગોસ્વામી સામેલ હતી અને તેણે ટીમ વતી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને ગોલ્ડ અપાવ્યો છે.
રૂ. ૧૨.૯૫ લાખની જર્મન રાયફલ
ચીનમાં ચાલી રહેલી આ સ્પર્ધા માટે પ્રેક્ટીસ કરવા માટે લજ્જાએ ૧૨.૯૫ લાખ રૂપિયાની જર્મન બનાવટની રાયફલ ખરીદી હતી. તેણે કોઈ પણ હિસાબે ગોલ્ડ મેડલ જીતવાના દૃઢ નિર્ધાર સાથે પ્રેક્ટીસ શરૂ કરી હતી.
આણંદમાં રહેતા લજ્જાના પિતા તિલક ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૧૭માં પણ લજ્જાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ૩ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તો ૨૦૧૦માં યોજાયેલ કોમનવેલ્થમાં સિલ્વર, ૨૦૧૩માં વર્લ્ડ ચેમ્પિયન ગેમ્સ-સ્પેન અને ૨૦૧૪ની કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.