ગ્લાસગોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જાપાનની નોજોમી ઓકુહારાએ વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધૂનો ફાઇનલમાં નોજોમી ઓકુહારા સામે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૧૯-૨૧, ૨૨-૨૦, ૨૦-૨૨થી પરાજય થયો હતો. આ જીત સાથે ઓકુહારાએ રિયો ઓલિમ્પિકની સેમિ-ફાઇનલમાં સિંધૂ સામે મળેલા પરાજયનો બદલો લઈ લીધો છે. આ ટૂર્નામેન્ટમાં સાઈના નેહવાલને પણ ઓકુહારાએ હરાવી હતી. ૧૧૦ મિનિટ સુધી ચાલેલી ફાઈનલમાં બન્ને ખેલાડી વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો હતો. આ પરાજય સાથે આ ટૂર્નામેન્ટમાં ભારત પ્રથમ ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયું છે.
સિંધૂનો ત્રીજો મેડલ
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પી. વી. સિંધૂનો આ ત્રીજો મેડલ છે. પી. વી. સિંધૂ પ્રથમ વખત સિલ્વર જીતવામાં સફળ રહી છે. આ પહેલા તેણે ૨૦૧૩ અને ૨૦૧૪માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.