કઝાન (રશિયા)ઃ અમેરિકન સ્વિમિંગ સ્ટાર કેટી લેડેસ્કીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ ૧૫૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. લેડેસ્કીએ ૧૫ મિનિટ અને ૨૫.૪૮ સેકન્ડમાં રેસ પૂરી કરતાં ગોલ્ડ જીત્યો હતો.
લેડેસ્કીએ આગલા દિવસે જ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૧૫ મિનિટ અને ૨૭.૭૧ સેકન્ડમાં આ અંતર કાપીને ઓગસ્ટ-૨૦૧૪માં નોંધાવેલો ૧૫ મિનિટ અને ૨૮.૩૬ સેકન્ડનો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. કઝાન વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં લેડેસ્કીનો આ બીજો ગોલ્ડ છે. અગાઉ તે ૪૦૦ મીટર ફ્રિસ્ટાઇલમાં ગોલ્ડન સફળતા મેળવી ચૂકી છે.
સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બુધવારે એક અનોખો પ્રસંગ નોંધાયો હતો. યજમાન રશિયાએ વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪X૧૦૦ મીટર મિક્સ મિડલે રીલેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાની ખુશી વ્યક્ત કરે તે પહેલાં ગણતરીની મિનિટોમાં અમેરિકાની ટીમે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રશિયાની ટીમે પ્રશંસકોના ભારે સમર્થન સાથે સેકન્ડ હીટમાં ત્રણ મિનિટ ૪૫.૮૭ સેકન્ડના સમય સાથે જાન્યુઆરી ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાએ બનાવેલા રેકોર્ડને તોડયો હતો. જોકે રશિયાનો આ રેકોર્ડ વધુ સમય ટકી શક્યો નહોતો અને અમેરિકાની ટીમે ત્રીજા હીટમાં પૂલમાં ઉતરી ત્રણ મિનિટ ૪૨.૩૩ સેકન્ડના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. મિક્સ મિડલે રીલે ટીમને આ વર્ષે જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન અપાયું છે, પરંતુ ઓલિમ્પિકમાં આ વિભાગનો સમાવેશ કરાયો નથી. ઉલ્લેખનીય છે કે, કઝાન વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી કુલ નવ વર્લ્ડ રેકોર્ડ તૂટી ચૂક્યા છે.
૧૫૦૦ મીટરની વિમેન્સ ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં ન્યૂ ઝિલેન્ડની લૌરેન બોયલે ૧૫ મિનિટ અને ૪૦.૧૪ સેકન્ડ સાથે સિલ્વર જ્યારે હંગેરીની બોગ્લાર્કા કાપાસે ૧૫ મિનિટ અને ૪૭.૦૯ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પુરુષોની ૨૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં બ્રિટનના ૧૯ વર્ષીય જેમ્સ ગાયે વિક્રમ સર્જતા એક મિનિટ અને ૪૫.૧૪ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમ્સ ૪૦૦ મીટર ફ્રિસ્ટાઇલમાં સિલ્વર જીત્યો હતો. ૪૦૦ મીટર ફ્રિસ્ટાઇલમાં ગોલ્ડ જીતનારા ચીનના સુન યાંગને એક મિનિટ અને ૪૫.૨૦ સેકન્ડના સમય સાથે ૨૦૦ મીટર ફ્રિસ્ટાઇલમાં સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો.
વર્લ્ડ રેકોર્ડ ધારક જર્મન સ્વિમર પોલ બીડરમાનને એક મિનિટ અને ૪૫.૩૮ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે અમેરિકાના રાયન લોક્ટેને એક મિનિટ અને ૪૫.૮૩ સેકન્ડના સમય સાથે ચોથા ક્રમથી સંતોષ માનવો પડયો હતો.
મહિલાઓની ૧૦૦ મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની એમિલી સિબોમે ૫૮.૨૬ સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની મેડીસન વિલ્સનને ૫૮.૭૫ સેકન્ડના સમય સાથે સિલ્વર અને ડેનમાર્કની મીઇ નેલ્સેનને ૫૮.૮૬ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે અમેરિકાની મિસી ફ્રેન્કલીન ૫૯.૪૦ સેકન્ડ સાથે પાંચમા ક્રમે રહી હતી.