લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ સ્ટાર વિક્રમ સોલંકીને સરેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જન્મેલા સોલંકી ઈંગ્લિશ કાઉન્ટી ટીમનો ચાર્જ સંભાળનાર પ્રથમ એશિયન ક્રિકેટર બની રહેશે. ઉમદા બેટ્સમેન વિક્રમ સોલંકી ૨૦૦૦-૨૦૦૭ના ગાળામાં ઈંગ્લેન્ડ તરફથી મર્યાદિત ઓવરની ૫૪ મેચ રમ્યા છે. તેઓ ઘરઆંગણે ૩૨૫ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે. તેમણે તમામ ફોર્મેટ્સમાં થઈ ૩૧,૦૦૦થી વધુ રનનો સ્કોર કર્યો છે.
વિક્રમ સોલંકી છેક ૨૦૧૬થી સરે કાઉન્ટી ટીમના બેકરુમ સ્ટાફના સભ્ય છે. ઓસ્ટ્રેલિયન કોચ માઈકલ ડિ વેનુટોની વિદાય પછી આ ઉચ્ચ સ્થાને તેમની પસંદગી થઈ છે. બ્રિટનના વિશાળ સાઉથ એશિયન નેટવર્કના હિતોને પ્રમોટ કરતી નેશનલ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (NACC) દ્વારા આ નિયુક્તિને આવકાર અપાયો છે. NACCના ચેરમેન ગુલફરાઝ રિયાઝે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે વિક્રમ આ ભૂમિકા માટે સંપૂર્ણ લાયક છે. તેમણે કહ્યું હતું કે વધુ બ્રિટિશ એશિયન પૂર્વ ખેલાડીઓને કાઉન્ટી સ્તરે બધા વયજૂથ માટે કોચિંગ ભૂમિકાની તક મળવી જોઈએ. મિન પટેલ કેન્ટની પ્રતિભાખોજનું વડપણ કરે છે, કાદીર અલી વર્સેસ્ટરશાયરની સેકન્ડ ઈલેવનના ચાર્જમાં છે, જિગર નાયક લેસ્ટરશાયર એકેડેમી સાથે છે અને ઈંગ્લેન્ડનો પૂર્વ ઝડપી બોલર અજમ્લ શહજાદ MCCનો યંગ ક્રિકેટર્સ પ્રોગ્રામ ચલાવે છે.
સોલંકીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સૌ પહેલા કોચ માઈકલ ડિ વેનુટોએ તેમના કાર્યકાળમાં જે નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેની હું કદર કરું છું. હેડ કોચ તરીકે કામગીરી સંભાળવા માટે હું ખૂબ રોમાંચિત છું. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં અમારી પાસે ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ છે. હું સરેના બધા ખેલાડીઓ સાથે કામ કરવા અને આગામી વર્ષોમાં વધુ પ્રમાણમાં સિલ્વરવેર હાંસલ કરવા ક્લબને સારી તક મળી રહે તેની ચોકસાઈ કરવા આતુર છું.’ સોલંકીએ ગ્રેહામ ફોર્ટ અને વેનુટો હેઠળ કોચિંગનો અનુભવ મેળવ્યો છે. તેણે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ગેરી કર્સ્ટન અને આશિષ નેહરા સાથે સહાયક કોચ તરીકે પણ કામ કર્યું છે.