એન્ટિગુઆઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની એન્ટિગુઆ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી નોંધાવીને વિક્રમોની વણઝાર સર્જી છે. તે વિદેશની ધરતી પર બેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ કેપ્ટન તરીકે વિદેશમાં અઝહરુદ્દીને ઓકલેન્ડમાં ૧૯૨ રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર પણ રહ્યો છે. કોહલીએ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૪માં ૧૬૯નો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. આમ કોહલીએ ૨૦૦ રન ફટકારીને વ્યક્તિગત કારકિર્દીમાં નવું કીર્તિમાન હાંસલ કર્યું છે.
• અઝહરુદ્દીનનો સમોવડિયોઃ ભારતની બહાર વિદેશમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી નોંધાવવાના મામલે કોહલીએ મોહમ્મદ અઝહરુદ્દીનની બરોબરી કરી લીધી છે. બન્નેએ ભારત બહાર પાંચ ટેસ્ટ સદી નોંધાવી છે.
• વિશ્વનો ત્રીજો કેપ્ટનઃ વેસ્ટ ઇન્ડિઝમાં કેપ્ટન તરીકે બેવડી સદી નોંધાવનાર કોહલી ત્રીજો ખેલાડી છે. અગાઉ લેન હટ્ટન તથા સિમ્પસન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
• પાંચમો ભારતીય કેપ્ટનઃ ટેસ્ટ મેચમાં ઘરઆંગણે કે વિદેશમાં ભારતીય કેપ્ટન તરીકે બેવડી સદી નોંધાવનાર કોહલી પાંચમો કેપ્ટન બન્યો છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ૨૨૪ રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે ટોચના ક્રમે છે.
• દ્રવિડનો રેકોર્ડ તોડ્યોઃ વિન્ડીઝમાં રાહુલ દ્રવિડે ૨૦૦૬માં નોંધાવેલા ૧૪૬ રનના સર્વશ્રેષ્ઠ સ્કોરના રેકોર્ડને કોહલીએ તોડી નાખ્યો હતો. વિન્ડીઝમાં સર્વશ્રેષ્ઠ સ્કોર કરનાર ખેલાડીઓની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ અણનમ ૧૦૦ રન કર્યા હતા.
• ૧૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રનઃ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ ૧૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો છે. આ કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા નોંધાવેલા બીજા ક્રમે સૌથી ઝડપી ૧૦૦૦ રન છે. સુનિલ ગાવસ્કરે કેપ્ટન તરીકે ૧૪ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કરી લીધા હતા. ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ૧૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.
• ૧૯ વર્ષ બાદ કેપ્ટનની વિદેશમાં મોટી ઇનિંગઃ ભારત માટે ૧૯ વર્ષ બાદ વિદેશની ધરતી પર મોટી કેપ્ટન ઇનિંગ્સનો દુષ્કાળ પૂરો થયો હતો. છેલ્લે ૧૯૯૭માં સચિને સાઉથ આફ્રિકા સામે ૧૬૯ રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ કોઈ પણ ભારતીય કેપ્ટન વિદેશની ધરતી પર ૧૫૦ રનથી વધારે નોંધાવી શક્યો નહોતો.