ટોક્યોઃ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શટલર પી.વી. સિંધૂએ જણાવ્યું હતું કે આટલા વર્ષોની કઠોર મહેનત કરી મને લાગે છે કે મેં વાસ્તવમાં સારું કર્યું છે. મારી અંદર ઘણી બધી લાગણીઓ ચાલી રહી છે. શું મારે ખુશ થવું જોઇએ કેમ કે મેં બ્રોન્ઝ મેડલ જીત્યો છે કે દુઃખી થવું જોઇએ કે મેં ફાઇનલમાં રમવાનો અવસર ગુમાવી દીધો? તેણે ઉમેર્યું હતું કે મારા પરિવારે મારા માટે ખૂબ મહેનત કરી છે અને અથાક પ્રયાસો કર્યા છે, તેથી હું તેમની ખૂબ જ આભારી છું. ભારતીય પ્રશંસકોએ મને પોતાનો પ્રેમ અને સમર્થન આપ્યું છે અને હું તે તમામની પણ ખૂબ આભારી છું. વાસ્તવમાં આ એક લાંબો પ્રવાસ હતો, પણ મારે ધીરજ સાથે શાંત રહેવાનું હતું. આગળ વધવા છતાં પણ મેં આરામ કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે બ્રોન્ઝ જીતનાર સિંધૂએ ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આમ તેણે બે ઓલિમ્પિક મેડલ જીતીને ભારતીય રેસલર સુશીલ કુમારની બરાબરી કરી છે. તે પછી સિંધૂએ ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
નવ વર્ષની વયથી જ ટ્રેનિંગ
સિંધૂનો જન્મ પાંચ જુલાઇ ૧૯૯૫માં આંધ્ર પ્રદેશના પાટનગર હૈદરાબાદમાં થયો હતો. તેના માતા-પિતા રાષ્ટ્રીય સ્તરના વોલિબોલ ખેલાડી હતાં. તેના પિતા પી.વી. રામન્ના ૧૯૮૬માં સિયોલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. જોકે સિંધૂ પહેલેથી જ બેડમિન્ટન પ્રત્યે આર્કિષત હતી અને નવ વર્ષની વયે તેના ફેવરિટ ગોપીચંદની એકેડેમીમાં ટ્રેનિંગની શરૂ કરી હતી.