નવી દિલ્હીઃ ભારતીય બોક્સર વિજેન્દર સિંહ ડબ્લ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન બન્યો છે. વિજેન્દરે રાજધાની દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ૧૬ જુલાઇએ રમાયેલા ટાઇટલ જંગમાં ઓસ્ટ્રેલિયાના બોક્સર કેરી હોપને પોઇન્ટ્સના આધારે પરાજય આપ્યો હતો. પ્રોફેશનલ કારકિર્દીમાં ભારતીય બોક્સરનો સાતમા બાઉટનો સાતમો વિજય હતો. બીજી તરફ હોપ પોતાની કારકિર્દીમાં ૩૧મી બાઉટમાં આઠમી વખત હાર્યો હતો.
વિજય સાથે વિજેન્દર ડબ્લ્યુબીઓ સુપર મીડલવેઇટ રેન્કિંગમાં ટોચના ૧૫ ખેલાડીની યાદીમાં સામેલ થઇ જશે. કારકિર્દીમાં પહેલી વખત ૧૦ રાઉન્ડના બાઉટમાં ઊતરેલા વિજેન્દરે સમગ્ર મુકાબલામાં હોપ પર વર્ચસ જાળવ્યું હતું.
ત્રણેય જજોએ ભારતીય બોક્સરના પક્ષમાં પોતાનો નિર્ણય આપ્યો હતો. પહેલા જજે ૯૮-૯૨, બીજાએ ૯૮-૯૨ અને ત્રીજાએ ૧૦૦-૯૦ના સ્કોરથી વિજેન્દરને વિજેતા જાહેર કર્યો હતો. વિજેન્દર વિજય બાદ ખૂબ ભાવુક બની ગયો હતો. તેણે સમર્થન માટે દેશવાસીઓનો આભાર માન્યો હતો.