માન્ચેસ્ટરઃ ભારતના સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે પાકિસ્તાની મૂળના બ્રિટિશ પ્રોફેશન બોક્સર આમિર ખાનની ભારતમાં મુકાબલો કરવાના પડકારને સ્વીકારી લીધો છે. જોકે આ મુકાબલો ૨૦૧૮ પહેલા યોજાય તે સંભવ નથી. મેક્સિકોના કેનેલો અલ્વારેજની સામે બહુપ્રતિક્ષિત ડબ્લ્યૂબીસી મિડલવેઇટ ટાઇટલની તૈયારી કરી રહેલા આમિરે જણાવ્યું હતું કે તે વિજેન્દરની સામે ભારતમાં મુકાબલો કરવા માગે છે. પ્રોફેશનલ બોક્સિંગનો ભાગ બની ગયેલા ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દર સિંહે આમિરના પડકારનો જવાબ આપવામાં જરાય પણ સમય લીધા વિના તેને સ્વીકારી લીધી હતી.
વિજેન્દર સિંહે આમિરના પડકારને લઇને જણાવ્યું હતું કે હું આમિર ખાનના પડકારને સ્વીકારવા માટે તૈયાર છું અને મને વિશ્વાસ છે કે મુકાબલો દેશમાં બોક્સિંગને એક નવી ઉંચાઇ અપાવશે. અમે બંને અલગ અલગ વજન વર્ગમાં રમીએ છીએ તો હવે જોઇએ કે આમિરે વજન વધારવાનું છે કે મારે વજન ઘટાડવું પડશે.
આમિર મિડલવેઇટ (૭૨.૫ કિ.ગ્રા)માં રમે છે જ્યારે વિજેન્દર સિંહ સુપર મિડલવેઇટ (૭૬ કિગ્રા)માં રમે છે. તેણે જણાવ્યું હતું કે મેં મારી પ્રોફેશનલ બોક્સિંગ કારકિર્દી ગયા વર્ષે શરૂ કરી છે અને મેં ફક્ત ચાર મુકાબલા રમ્યા છે. મને કદાચ આમિર સામે લડવામાં એક વર્ષની વધારે તૈયારીની જરૂર છે.