પોર્ટ ઓફ સ્પેનઃ બે દસકા સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમની બેટિંગ લાઇન અપના મહત્ત્વના ખેલાડી રહેલા બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સાત મહિનાથી ટીમની બહાર રહેલા ૪૧ વર્ષના ચંદ્રપોલને ઓસ્ટ્રેલિયા સામે ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો અને ત્યારથી તે ટીમની બહાર ચાલી રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે ક્રિકેટની રમતમાં શાનદાર યોગદાન આપનારા ચંદ્રપોલની પ્રશંસા કરતા તેને ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
૧૯૯૪માં ઇંગ્લેન્ડની સામે સ્થાનિક ક્રિકેટ શ્રેણીમાં પદાર્પણ કરનારા ચંદ્રપોલે ૧૬૪ ટેસ્ટ મેચમાં ૫૧.૩૭ રનની એવરેજથી ૧૧૮૬૭ રન ફટકાર્યા હતા જેમાં ૩૦ સદીઓ સામેલ છે. ટેસ્ટમાં સર્વાધિક રન કરવાના મામલે તે વિશ્વમાં સાતમા તથા વેસ્ટ ઇન્ડીઝમાં બીજા ક્રમે કાયમ છે.