લંડનઃ ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ટીમ માટે હાથવેંતમાં જણાતો વિજય છીનવી લઇને આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. ૧૨ વર્ષ પછી ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો નવ રને પરાજય થયો હતો. પ્રારંભે ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણનો જોરદાર સામનો કરનાર ભારતીય ટીમે સાત વિકેટ માત્ર ૨૮ રનમાં ગુમાવી હતી. ઈંગ્લેન્ડે નતાલી સ્કાઈવરની અડધી સદી (૫૧) પછી શ્રબસોલેના તરખાટ (૬ વિકેટ)ની મદદથી વર્લ્ડ કપની ફાઈનલ જીતી લીધી હતી.
ભારતીય મહિલા ટીમ જે પ્રકારે ઝમકદાર દેખાવ સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું તેનાથી તે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૨૮ રન કર્યા હતા. જવાબમાં ભારતની ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે એક સમયે ત્રણ વિકેટે ૧૯૧ રનનો સ્કોર કર્યો હતો. આ સમયે લાગતું હતું કે ભારત આસાનીથી જીતી જશે. જોકે ભારતે અંતિમ ૭ વિકેટ ૨૮ રનમાં ગુમાવી હતી. આ પરાજય સાથે જ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું ભારતીય ટીમનું સ્વપ્ન રોળાઈ ગયું છે.
અનુભવનો અભાવ નડ્યો
૩૪ વર્ષીય કેપ્ટન મિતાલી રાજે કબૂલાત કરી હતી કે અમારી ટીમ દબાણને ખાળવામાં નિષ્ફળ ગઇ હતી પરંતુ જે રીતે ખેલાડીઓએ પૂરી ટૂર્નામેન્ટમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તેનો મને ગર્વ છે. ટીમની પ્રત્યેક ખેલાડી નર્વસ હતી અને મારા મતે અનુભવનો અભાવ ટીમના પરાજયનું મુખ્ય કારણ હતું. અનુભવ તથા કટોકટીની પળોમાં ધીરજ જાળવી રાખવા સાથે સંકળાયેલું છે. ખેલાડીઓને પૂરતો અનુભવ નહોતો પરંતુ પૂરી ટૂર્નામેન્ટમાં તેમણે જે રીતે પ્રદર્શન કર્યું હતું તે દિલ જીતી લે તેવું હતું.
માર્ગ આસાન બન્યો
કેપ્ટન મિતાલી રાજે જણાવ્યું હતું કે વર્તમાન ટીમની ખેલાડીઓએ ભારતમાં ભાવિ પેઢી માટે મંચ તૈયાર કરી દીધો છે. તેમણે મહિલા ક્રિકેટને અપનાવવા માટેનો માર્ગ આસાન બનાવી દીધો છે. તેમને પોતાના પર ગર્વ હોવો જોઇએ. વર્તમાન ખેલાડીઓએ વિમેન્સ ક્રિકેટમાં જે પરિવર્તન લાવી દીધું છે તે મેં જોયું છે.
રાઉત-હરમનની ભાગીદારી
મંધાના બીજી જ ઓવરમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જોકે પૂનમ રાઉત અને મિતાલી રાજે (૧૭) બીજી વિકેટ માટે ૩૮ રનની ભાગીદારી નોંધાવી હતી. મિતાલી એક ભૂલના કારણે રનઆઉટ થઈ હતી. સંકટ સમયે રાઉતે હરમન કૌર (૫૧) સાથે બાજી સંભાળી હતી. રાઉત અને હરમને ૯૫ રનની ભાગીદારી નોંધાવી હતી. રાઉતે એક છેડો જાળવી રાખતા ૪ બાઉન્ડ્રી અને ૧ સિક્સ સાથે ૮૬ રન બનાવ્યા હતા.