વિમેન્સ વર્લ્ડ કપઃ ઓસ્ટ્રેલિયા સાતમી વખત ચેમ્પિયન

Wednesday 06th April 2022 07:17 EDT
 
 

ક્રાઈસ્ટચર્ચ: ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમે રવિવારે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. મેગ લેનિંગના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે વિક્રમજનક સાતમી વખત આઈસીસી મહિલા વિશ્વકપ ખિતાબ પોતાના નામે કર્યો હતો. રોમાંચક ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લેન્ડને 71 રને હરાવીને વિશ્વ ચેમ્પ્યિન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું.
કાંગારુ ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં પાંચ વિકેટે 356 રનનો હિમાલય જેવો મોટો સ્કોર ખડો કરી દીધો હતો. જવાબમાં ઇંગલેન્ડની સંપૂર્ણ ટીમ 43.4 ઓવરમાં 285 રન કરીને ઓલરાઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ઓપનર એલિસા હિલીએ 170 રનની લાજવાબ ઇનિંગ રમી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ તરફથી એકમાત્ર નાટ સિવરે કાંગારુઓનો મુકાબલો કર્યો હતો અને 148 રન સાથે અણનમ રહી હતી. વિજય માટે 357 રનના મહાકાય લક્ષ્યનો પીછો કરતાં ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. મેગન શૂટે ત્રીજી ઓવરમાં જ ડાની યાટને ચાર રન પર બોલ્ડ કરી હતી. આ પછી શૂટે ટૈમી બિયૂમોટને એલબીડબ્લ્યૂ આઉટ કરી હતી. તે પછી ઇંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઇટ પણ લાંબું ખેંચી શકી ન હતી અને કિંગની બોલિંગમાં એલબીડબ્લ્યૂ આઉટ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ હાર્યો, મેચ જીત્યો
આ અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જોકે ઈંગ્લેન્ડનો આ નિર્ણય ખોટો પુરવાર થયો હતો. ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 356 રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો. વિકેટકિપર અને ઓપનર એલિસા હીલીએ આક્રમક બેટિંગ કરીને 170 રનની વિક્રમી ઇનિંગ રમી હતી. નોંધનીય છે કે હીલીને 41 રન પર જીવતદાન મળ્યું હતું, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. હીલીએ 138 બોલમાં 26 ચોક્કા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડે છેલ્લી પાંચ ઓવરમાં ઓસીઝની ચાર વિકેટ ઝડપી હતી.
સિવર એકલપંડે ઝઝૂમી
ઇંગ્લેન્ડના કોઇ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે ટકી શકતાં ન હતાં અને એક પછી એક વિકેટ પડી રહી હતી. ત્યારે બીજા છેડે નેટ સિવર અડીખમ ઊભી હતી. સિવર છેક સુધી એક છેડા પર ટકી રહી હતી. તેણે 121 બોલમાં 15 ફોર અને એક સિકસરની મદદથી 148 રન પર અણનમ રહી હતી. સિવર અને ચાર્લી ડીન વચ્ચે નવમી વિકેટ માટે અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ હતી. જેના પરિણામે ટીમ 285ના સ્કોર સુધી પહોંચી શકી હતી. ચાર્લીએ 21 રન કર્યા હતા. ઇંગ્લેડની 10મી વિકેટ અન્યા શ્રબસોલની પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter