નવી દિલ્હી: રવિવારે દિલ્હીમાં પૂર્ણ થયેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની નિખત ઝરીન અને લવલીના બોરગોહેને પોત-પોતાની વજન વર્ગ કેટેગરીમાં ગોલ્ડ જીત્યા છે. નિખત (50 કિગ્રા)નો આ સતત બીજો ગોલ્ડ છે જ્યારે લવલીના (75 કિગ્રા) પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બની છે.આ ટૂર્નામેન્ટમાં ભારતની ચાર ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 26 વર્ષીય નિખત 2 ગોલ્ડ જીતનાર એમસી મેરી કોમ બાદ ભારતની બીજી ખેલાડી છે. નિખતે કહ્યું કે, ‘મારા માટે આ ગર્વની વાત છે કે મેં માતા-પિતા સામે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો. પિતા ઘણી વાર મારી મેચ જોવા આવતા, પરંતુ માતા પ્રથમ વાર મેચ જોવા આવી હતી. હરીફ બોક્સર મને પંચ મારતી ત્યારે માતા આંખ બંધ કરી લેતી હતી. હવે મારો લક્ષ્યાંક પેરિસ ઓલિમ્પિક છે. પહેલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ કરવાનું છે અને તે માટે તૈયારી ચાલુ છે. એશિયન ગેમ્સમાં મેડલ જીતવો છે અને પછી ઓલિમ્પિક ક્વોલિફાઈ કરી પેરિસમાં મેડલ જીતીશ.’