લંડનઃ વિમ્બલ્ડનની ૭૦ મિલિયન પાઉન્ડના ખર્ચે બનેલી ૧ નંબરની કોર્ટની છતને લીધે વિમ્બલ્ડનના શિકારી બાજ રફસને આ વર્ષે બમણું કામ કરવું પડે છે. સમર મેચો દરમિયાન કબૂતરોને ગ્રાઉન્ડમાં આવતા અટકાવવા રફસ છેલ્લાં દસ વર્ષથી ઓલ ઈંગ્લેન્ડ ટેનિસ ક્લબના આકાશનો ચોકી પહેરો કરતું હોવાનું તેની સંભાળ રાખતી ઈમોજન ડેવિસે જણાવ્યું હતું. રફસની સાથે હવે તેનું જુનિયર પોલક્સ પણ જોડાયું છે.
આંશિક રીતે બંધાયેલી એક નંબરની કોર્ટની છતને લીધે હવે કબૂતરોને માળો બાંધવા અને ઈંડા મૂકવા માટે છૂપાવાની જગ્યા મળી છે. આ છતનું કામ ગયા વર્ષે શરૂ થયું હતું જે આવતા વર્ષે પૂરું થશે.
રફસ નાનું બચ્ચું હતું ત્યારથી તેની દેખરેખ રાખતી ડેવિસે ઉમેર્યું હતું કે અગાઉ રફસને આટલું કામ કરવું પડતું ન હતું. તેના દૈનિક કામમાં હવે કોર્ટ નં.૧નો ઉમેરો થયો છે. વ્યવહારિક રીતે તેનું કામ ડબલ થઈ ગયું છે. રફસનું વતન સેન્ટ્રલ અમેરિકા છે. કબૂતરોને ભગાડવા માટે તેને વેસ્ટમિન્સ્ટર એબે, નોર્ધમ્પટન સેન્ટ્સ રગ્બી ગ્રાઉન્ડ અને ફૂલહામ ફૂટબોલ ક્લબ પર પણ તેની સેવા લેવાઈ હતી.
ડેવિસે ઉમેર્યું હતું કે વિમ્બલ્ડન અધિકારીઓએ આવતા વર્ષની ટુર્નામેન્ટ માટે ડબલ એક્શન પ્લાન ઘડવો પડશે. સેન્ટર કોર્ટમાં ૨૦૦૯થી ખેલાડીઓ જે રીતે રાત્રે તેમજ વરસાદમાં રમે છે તેમ કોર્ટ નંબર ૧ની નવી છતને લીધે રમી શકશે.