નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં છે અને વિશ્વના દિગ્ગજ ખેલાડી વિરાટની પ્રશંસા કરતાં થાકતા નથી ત્યારે વેસ્ટ ઇન્ડિઝના ઓપનર લિન્ડલ સિમોન્સે કોહલીને ઘમંડી અને વધુ પડતો આક્રમક ગણાવે છે. તેણે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં હું તેને બતાવી દેવા માગતો હતો કે, માત્ર તે જ વિશ્વનો સારો બેટ્સમેન નથી. ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં લિન્ડલ સિમોન્સે ભારતના હાથમાંથી બાજી ખેંચી લઈને વિન્ડીઝને ફાઇનલમાં પહોંચાડયું હતું.
સેમિ-ફાઇનલ મેચનો ઉલ્લેખ કરતાં સિમોન્સે કહ્યું હતું કે, વિરાટ કોહલી જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે મારી પાસે આવીને કંઈ કહ્યું હતું અને તે વખતે મેં મારી જાતને કહ્યું હતું કે, હું કોહલીને બતાવી દઇશ કે માત્ર તે જ સારો બેટ્સમેન નથી. કોહલી વારંવાર મારી તરફ થ્રો કરી રહ્યો હતો. તે મારા પર દબાણ વધારવા માગતો હતો. તે આ પ્રકારે જ ક્રિકેટ રમે છે. તે ઘણો ઘમંડી છે અને ફિલ્ડિંગ-બેટિંગમાં પણ તે વધુ પડતો આક્રમક રહેતો હોય છે. સિમોન્સે કહ્યું કે, કોહલીના આ પ્રકારના વલણથી જ અમારી ટીમના ખેલાડીઓને મોટિવેશન મળ્યું હતું.
જોકે તે દિવસે સિમોન્સને નસીબનો સાથ પણ મળ્યો હતો. તે મેચમાં સિમોન્સ બે વખત કેચ આઉટ થયો હતો અને બંને વખત નો-બોલ પડયો હતો. આ ઉપરાંત ત્રીજી વખત પણ તે લકી સાબિત થયો હતો જ્યારે રવીન્દ્ર જાડેજાએ સિમોન્સનો કેચ ઝડપ્યો હતો, પરંતુ તેનો પગ બાઉન્ડરીને અડી ગયો હતો.
સિમોન્સે કહ્યું કે, દરેક ક્રિકેટરોનો એક દિવસ હોય છે અને તેનો તમારે ફાયદો ઉઠાવવાનો હોય છે. મને મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને અંત સુધી બેટિંગ કરી હતી. મેદાન પર ઉપસ્થિત દર્શકો ભારતને સમર્થન આપવા જોર-જોરથી અવાજ કરી રહ્યા હતા, પરંતુ મેં વિચલિત થયા વિના બેટિંગ કરી હતી. સિમોન્સે આ મેચમાં ૫૧ બોલમાં અણનમ ૮૨ રન બનાવ્યા હતા. આ ઇનિંગ અંગે સિમોન્સે કહ્યું કે, જ્યારે ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઊતરતી હોય છે ત્યારે એક ખેલાડી છેડો સાચવીને રમતો હોય છે. આ મેચમાં મારો રોલ એ જ હતો. હું સ્પિન બોલરોને સારી રીતે રમી શકતો હોવાથી મિડલ ઓવરમાં રન ગતિ ઓછી થઈ નહોતી. મને એ પણ ખ્યાલ હતો કે, ભારત પાસે ડેથ ઓવરોમાં સારો બોલર નથી. તેનો મેં ફાયદો ઉઠાવી બેટિંગ કરીને વિન્ડીઝને જીત અપાવી હતી.