મુંબઈઃ ભારતીય ટીમના કેપ્ટન અને બેટિંગમાં અત્યારે શાનદાર ફોર્મમાં રહેલાં વિરાટ કોહલીને એક ક્રિકેટ વેબસાઇટ દ્વારા ૨૦૧૬માં સર્વ શ્રેષ્ઠ કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ગત વર્ષે સતત ૧૨ ટેસ્ટમેચમાં અપરાજીત રહી હતી. ભારતે વર્ષની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ સામે ૨-૦થી ટેસ્ટ શ્રેણી જીતી કરી હતી. ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને ઘર આંગણે અનુક્રમે ૩-૦ અને ૪-૦થી હરાવ્યું હતું. ૨૦૧૬માં રમાયેલી ૧૨ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે નવમાં જીત અને ૩ મેચ ડ્રો કરી હતી. ૧૨ મેચમાં ૭૬ની એવરેજથી રન બનાવ્યાં હતાં. જેમાં ત્રણ બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.
બોલિંગમાં બાંગ્લાદેશનાં સ્પિનર મેહંદી હસનને ૨૦૧૬ની સિઝનમાં પદાર્પણ કરનાર શ્રેષ્ઠ બોલર તરીકે પસંદ કરાયો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશના ઝડપી બોલર મસ્તફિઝુર રહેમાનને ટી-૨૦ બોલિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેણે ગત વર્ષે રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ૨૨ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડિઝને ટી-૨૦ની સર્વશ્રેષ્ઠ ટીમનો એવોર્ડ અપાયો હતો.