મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કે. શ્રીકાંતનું માનવું છે કે વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન્સની યાદીમાં સ્થાન મેળવશે. ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સમય પ્રમાણે પોતાની જાતને ઢાળવાની ક્ષમતાના કારણે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કેપ્ટન પૈકી એક સાબિત થશે, એમ તેમણે કહ્યું હતું.
એક સમયના ટીમ ઇંડિયાના ઓપનર શ્રીકાંતે કહ્યું હતું કે વિરાટ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની જાતને યોગ્ય રીતે ઢાળી દે છે તેમાં તેનો રમત પ્રત્યેનો દૃષ્ટિકોણ જોવા મળે છે. ક્યારેય હાર ન માનવાની કોહલીની ક્ષમતાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, તે ક્યારેય હાર માનતો નથી અને અંતિમ સમય સુધી ઝઝૂમે છે. શ્રીકાંતે કહ્યું હતું કે, પૂર્ણ ક્રિકેટર બનવા માટે આ પ્રકારના વલણની જરૂર હોય છે.
શ્રીકાંતે ૧૯૮૩માં ભારતને વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરની પણ પ્રશંસા કરતાં કહ્યું કે, કપિલ દેવ અલગ હતા. સુનિલ ગાવસ્કર કેપ્ટન તરીકે પહેલાં પરફેક્શન ઇચ્છતા હતા અને ત્યારબાદ જીત માટે આગળ વધ્યા હતા. બંનેના વિચાર સકારાત્મક હતા.