માઉન્ટ મોનગાનુઈઃ હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે બાદ હાર્દિકના સમાવેશને આવકારતા જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાના સમાવેશનો મને આનંદ છે. તે એક એવો ખેલાડીને છે જે ટીમને સંતુલન પૂરું પાડે છે. હાર્દિક જે રીતે બોલિંગ કરી રહ્યો હતો તે દર્શાવે છે કે તે પોતાનું કૌશલ્ય વધારવા ખૂબ જ મહેનત કરી રહ્યો છે. હાર્દિક જેવો ખેલાડી બેટિંગ-બોલિંગ-ફિલ્ડિંગ ત્રણેય મોરચે શ્રેષ્ઠ પ્રદર્શન માટે કોઈ કસર બારી રાખતો નથી. સારી વાત એ છે કે હાર્દિક હકારાત્મક માનસિક્તા સાથે પુનરાગમન કર્યું છે.
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક પાસે જૂની યાદોને ભૂલાવીને દિગ્ગજ ખેલાડી બનવાની તક છે. જીવનમાં કોઈ પણ સ્થિતિમાં તમારી પાસે બે જ વિકલ્પ હોય છેઃ તમે આ સ્થિતિમાં નિરાશ થઈને બેસી જાવ અથવા તો તેમાં કરેલી ભૂલોમાંથી શીખીને આગળ વધો. તમે કંઈ ખોટું કર્યું હશે તો તેને સુધારવું જ પડે. તમે જો ક્રિકેટર હો તો ક્રિકેટથી વધુ વિશિષ્ટ તમારા માટે કાંઈ જ હોતું નથી. આ રમતને સન્માન આપશો તો આ રમત બદલામાં તમને ઘણું આપશે.