વિશાખાપટ્ટનમઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પ્રથમ ટ્વેન્ટી૨૦ જીતીને ભારત પ્રવાસનો વિજયી પ્રારંભ કર્યો છે. વિશાખાપટ્ટનમમાં રવિવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના પુંછડિયા બેટ્સમેનો ભારે પડયા હતા. પેટ કમિન્સે ભારતીય ફાસ્ટર ઉમેશ યાદવની ઓવરમાં છેલ્લા બે બોલમાં છ રન ફટકારીને હારની બાજીને જીતમાં ફેરવી નાંખી હતી. જીતવા માટે ૧૨૭નો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ મેચના આખરી બોલે સાત વિકેટના ભોગે હાંસલ કર્યો હતો. નાટ્યાત્મક ચડાવ-ઉતાર ધરાવતા ટી૨૦મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ બે મેચની શ્રેણીમાં ૧-૦થી અજેય સરસાઈ પ્રાપ્ત કરી છે. કોયુલ્ટર-નાઈલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. શ્રેણીની બીજી અને આખરી મેચ બુધવારે બેંગલૂરુમાં રમાશે.
છેલ્લી ઓવરમાં ૧૪ રનની જરૂર
ઓસ્ટ્રેલિયાને જીતવા માટે આખરી ઓવરમાં ૧૪ રનની જરૂર હતી. હાથમાં માત્ર ત્રણ જ વિકેટ સલામત હતી. આ સમયે સ્ટ્રાઈક પર કમિન્સ હતો. તેણે ઉમેશના પહેલા બોલે એક રન લીધો હતો. આ પછી જે. રિચાર્ડસને બીજા પર ચોગ્ગો ફટકાર્યો હતો. રિચાર્ડસને ત્રીજા બોલ પર બે અને ચોથા બોલે એક રન કરતા ઓસ્ટ્રેલિયાને આખરી બે બોલમાં છ રન કરવાના હતા. આ સમયે કમિન્સે પાંચમા બોલે ચોગ્ગો ફટકારતાં છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી. તેણે આખરી બોલ પર બે રન લેતાં ભારત હાર્યું હતું.
અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ભારતને દાવ આપ્યો હતો. ભારતની શરૂઆત સારી રહી નહોતી અને પાંચ રનના સ્કોર પર રોહિત આઉટ થયો હતો. આ પછી લોકેશ રાહુલે કોહલી સાથે મળીને ૫૫ રનની ભાગીદારી કરી હતી. રાહુલે અડધી સદી ફટકારી હતી, પણ તેનું યોગદાન એળે ગયું હતું.