અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણતાના આરે છે અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના મતે માર્ચ ૨૦૨૦માં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચ સાથે તેનું શાનદાર ઉદ્ઘાટન થાય તેવી પૂરી સંભાવના છે.
મોટેરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ આશરે ૭૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચે સાકાર થયું છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ક્ષમતા એક લાખ ૧૦ હજારની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન (એમસીજી) વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેમાં એક લાખ લોકો મેચનો આનંદ માણી શકે છે. સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવું છે કે જ્યારે કોઇ ખેલાડી બાઉન્ડ્રી મારશે તો સ્ટેડિયમમાં બેઠેલો પ્રત્યેક દર્શક તેને આસાનીથી નિહાળી શકશે.
બીસીસીઆઇની એજીએમ બાદ ગાંગુલીએ સરદાર પટેલ સ્ટેડિયમ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે ૨૦૨૦ના માર્ચમાં તેનું ઉદ્ઘાટન થઇ શકે છે. જોકે એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાનારી મેચ માટે આઇસીસીની મંજૂરી લેવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા છે.
મોટેરા સ્ટેડિયમ વિશે...
મોટેરામાં તૈયાર થયેલું સ્ટેડિયમ ૬૩ એકરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં લેટેસ્ટ ટેક્નોલોજી ધરાવતા ૫૦ કેમેરા, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ તેમજ ૭૫ કોર્પોરેટ બોક્સ રહેશે. ભારતની સૌથી પહેલી ઇન્ડોર એકેડેમી પણ આ સ્ટેડિયમનું મુખ્ય આકર્ષણ રહેશે. જાન્યુઆરી ૨૦૧૭માં મોટેરા સ્ટેડિયમને ઝીરો લેવલ કરીને નવેસરથી નવી ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે. સ્ટેડિયમથી માત્ર ૩૦૦ મીટર દૂર મેટ્રો સ્ટેશન છે. ગ્રાઉન્ડમાં અગાઉ સામાન્ય ફ્લડ લાઇટ્સ હતી, પરંતુ હવે તેના બદલે એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે. નવા સ્ટેડિયમનું નિર્માણકાર્ય ભૂકંપ પ્રતિરોધક છે.
સ્ટેડિયમમાં કાર તથા ટુ-વ્હિલરના પાર્કિંગની વિશેષ વ્યવસ્થા છે. જેમાં ૪૦૦૦ કાર અને ૧૦ હજાર ટુ-વ્હિલરનું પાર્કિંગ થઇ શકશે. સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર જવાની પણ અલગ વ્યવસ્થા કરાઇ છે.