નવી દિલ્હીઃ વિશ્વના ટોચના ધનાઢ્યોમાં મુકેશ અંબાણી ભલે ૧૩મા ક્રમે હોય, પણ વિશ્વની જુદી જુદી રમતોની ફ્રેન્ચાઇઝી કે લીગ ટીમના માલિકોમાં તેઓ સૌથી ધનિક છે. રમતજગતમાં ફૂટબોલ, અમેરિકન ફૂટબોલ, બાસ્કેટ બોલ, કાર રેસિંગ, બેઝબોલ લીગ અમેરિકા અને યુરોપીયન દેશોમાં વર્ષોથી પ્રચલિત છે અને જે તે દેશના ધનાઢ્યો આવી ટીમ કે ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે.
ભારતમાં આ જ પ્રણાલીને અનુસરીને ક્રિકેટમાં ટ્વેન્ટી૨૦ આઇપીએલ શરૂ થઈ. તેની સફળતાને પગલે હવે ભારતમાં હોકી, બેડમિંગ્ટન, કબડ્ડી, ફૂટબોલની લીગ પણ ખાસ્સું આકર્ષણ જમાવે છે. લીગ ટૂર્નામેન્ટમાં સર્વોચ્ચ લોકપ્રિયતા ધરાવતી આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે જે ૫૦ બિલિયન ડોલર્સની નેટવર્થ ધરાવે છે.
વિશ્વમાં ૫૮ બિલિયોનેર્સ એવા છે જેઓ કોઈને કોઈ સ્પોર્ટ્સ ટીમના માલિક છે. અગાઉ જણાવ્યું તેમ ટોચના ૧૨ બિલિયોનેર્સની કોઈ ટીમ નથી. ૫૮ બિલિયોનેર્સ કુલ ૭૦ ટીમોના માલિક છે અને તેઓની કુલ નેટવર્થ ૩૫૯ બિલિયન ડોલર થાય છે.
મુકેશ અંબાણી પછી બીજા ક્રમના ધનાઢ્ય ટીમ માલિક માઇક્રોસોફ્ટમાંથી ૨૦૧૪માં નિવૃત્ત થયેલા સીઇઓ સ્ટીવ બાલ્મર છે. બાલ્મરની નેટવર્થ ૪૧.૨ બિલિયન ડોલર્સ છે. તેમણે ૨૦૧૪માં નિવૃત્તિ સાથે જ લોસ એન્જલસ કલિપર્સની ટીમ ખરીદી હતી. જ્યારે રેડ બુલના બિલિયોનેર ડાયટ્રીચ મેટસ્ચિઝ ૧૮.૯ બિલિયન ડોલર્સની નેટ સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. તેઓ રેડ બુલના નામે જુદી જુદી રમતોમાં ટીમ ધરાવે છે. ટોપ-૫ બિલિયોનેર માલિક અને તેમની ટીમ પર નજર નાખવી રસપ્રદ નીવડે તેમ છે.
• મુકેશ અંબાણી
નેટવર્થઃ ૫૦ બિલિયન ડોલર
ટીમઃ મુંબઈ ઇન્ડિયન્સ
• સ્ટીવ બાલ્મર
નેટવર્થઃ ૪૧.૨ બિલિયન ડોલર
ટીમઃ લોસ એંજલસ ક્લિપર્સ
• ડાયટ્રીચ મેટસ્ચિઝ
નેટવર્થઃ ૧૮.૯ બિલિયન ડોલર
ટીમઃ ન્યૂયોર્ક રેડબુલ્સ, રેડ બુલ્સ રેલિંગ અને રેડ બુલ ટોરો સોસો હોન્ડા
• હાસ્સો પ્લાટનર
નેટવર્થઃ ૧૩.૫ બિલિયન ડોલર
ટીમઃ સાન હોઝે શાર્કસ
• રોમન અબ્રામોવિચ
નેટવર્થઃ ૧૨.૪ બિલિયન ડોલર
ટીમઃ ચેલ્સીએફસી