વિશ્વવિજેતાઃ અજેય ટીમ ઇંડિયાએ ઇતિહાસ રચ્યો

Wednesday 03rd July 2024 05:11 EDT
 
 

બાર્બાડોસઃ ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઇંડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહીને આ ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમે શનિવારે બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 176 રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 કરી શક્યું હતું. આફ્રિકાને છેલ્લી 4 ઓવરમાં જીત માટે 26 રનની જરૂર હતી. જોકે ટીમ 15 રન જ કરી શકી હતી. આ દરમિયાન ટીમે 4 વિકેટ ગુમાવી હતી. ફાઈનલમાં જીત સાથે ભારત વર્ષ 2007 બાદ બીજી વાર ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ટીમનું વર્ષ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પ્રથમ આઈસીસી ટાઈટલ છે.
કોહલીની અંતિમ મેચમાં શ્રેષ્ઠ ઈનિંગ્સ
વિરાટ કોહલી (76)એ અડધી સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. કોહલીએ 59 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. એક છેડે પ્રારંભમાં 3 વિકેટ પડયા બાદ વિરાટ કોહલી બીજા છેડે ટકી રહ્યો અને 19મી ઓવરમાં ટીમનાં 163 રનનાં સ્કોરે પાંચમી વિકેટ રૂપે આઉટ થયો હતો. કોહલીએ પોતાની અડધી સદી 48 બોલમાં પૂર્ણ કરી હતી, જે તેના ટી-20 કરિયરની સૌથી ધીમી અડધી સદી હતી પરંતુ આઉટ થતા પહેલા તેણે અંતિમ 10 બોલમાં 26 રન કરી રન ગતિ વધારી હતી. કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો. કોહલીએ જીત બાદ આંતરરાષ્ટ્રીય ટી-20માંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી.
હાર્દિક-અક્ષર-બુમરાહ છવાયા
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 4.3 ઓવરમાં 34 રનમાં 3 વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહી હતી. આ સમયે અક્ષર પટેલ (47 રન)એ કોહલીને સાથ આપ્યો. અક્ષરે કોહલી સાથે મળી ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. અક્ષરે 31 બોલમાં 1 ચોગ્ગો અને 4 છગ્ગા ફટકાર્યા હતા. નોર્જેએ 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ લીધી હતી. ચેઝમાં સાઉથઆફ્રિકાનાં વિસ્ફોટક બેટર ક્લાસેને 27 બોલમાં 52 રનની ઈનિંગ્સ રમી. તેની વિકેટ પડ્યા બાદ ટીમનો ધબડકો થયો હતો. આફ્રિકા માટે ડીકોકે 39 અને સ્ટબ્સે 31 રનની ઈનિંગ્સ રમી. હાર્દિક પંડ્યાએ 3 જ્યારે બુમરાહ અને અર્શદીપે 2-2 વિકેટ ઝડપી હતી.
ટીમ ઇંડિયાની અજેય આગેકૂચ
ભારતીય ટીમે ફાઈનલમાં જીત સાથે જ સતત નોકઆઉટ મેચોમાં મળતી હારનો સિલસિલો તોડ્યો. આ અગાઉ નવેમ્બર 2023માં ભારત વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ભારતીય દર્શકોને લાંબા ગાળા બાદ વર્લ્ડ કપ જીતની ઉજવણીની તક મળી. સાઉથ આફ્રિકા માટે પ્રથમ આઈસીસી ટાઈટલની રાહ વધુ લંબાઈ છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ધનવર્ષા
ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાએ રૂ. 20 કરોડની પ્રાઇઝ મની તો જીતી છે, સાથોસાથ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પણ વિજેતા ટીમ પર તોતિંગ રકમના ઇનામની નવાજેશ કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ દ્વારા વિશ્વ ચેમ્પિયન ટીમ માટે 125 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ દ્રવિડને ફોન કરીને અભિનંદન આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter