કેનબેરાઃ ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ થાય તે પૂર્વે જ નોવાક જોકોવિચનો વિજય થયો છે. તેનો આ ‘મેચ’ કોર્ટની બહાર ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે હતો. પોતાનું ટાઈટલ બચાવવા મેલબોર્ન પહોંચેલા વિશ્વના આ નંબર વન ખેલાડીએ કોરોના વેક્સિન ના લીધી હોવાથી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો અને વિઝા રદ કરી દેવાયા હતા. હવે જોકોવિચને કોરોના વેક્સિન સાથે જોડાયેલા સમગ્ર મામલે કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે જોકોવિચના પક્ષમાં નિર્ણય લેતા વિઝા રદ્દ ન કરવાનો આદેશ આપ્યો છે.
વિઝા રદ ન કરવાનો ઓર્ડર
સુનાવણી બાદ કોર્ટે જોકોવિચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને વિઝા રદ ન કરવા આદેશ આપ્યો હતો. જોકે કોર્ટના આદેશ છતાં ઓસ્ટ્રેલિયા સરકારના ગૃહમંત્રી હાર સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે સરકાર પાસે હજુ પણ જોકોવિચને ઓસ્ટ્રેલિયાની બહાર મોકલવાની સત્તા છે. નિયમો અને કાયદાઓ બધા માટે સમાન છે, આ અંતર્ગત વિઝા કેન્સલ પણ થઈ શકે છે.