હોબાર્ટઃ અત્રે રમાયેલી ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઇંડિઝ પ્રથમ ટેસ્ટમાં એડમ વોજીસ અને શોન માર્શની જોડીએ ચોથી વિકેટની ભાગીદારીમાં સૌથી વધારે રનનો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. એડમ વોજીસ (૨૬૯ અણનમ) અને શોન માર્શ (૧૮૨)ની જોડીએ ઓસ્ટ્રેલિયા તરફથી વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ચોથી વિકેટ માટે ૪૪૯ રનની ભાગીદારી કરી હતી. અગાઉ ચોથી વિકેટની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ ૪૩૭ રનનો હતો, જે શ્રીલંકાના જયવર્દને અને સમરવીરાએ ૨૦૦૮-૦૯માં પાકિસ્તાન સામે કરાચીમાં નોંધાવ્યો હતો.
વોજીસ-માર્શે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર હાઈએસ્ટ ટેસ્ટ ભાગીદારીનો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો હતો. આ રેકોર્ડ અત્યાર સુધી બ્રેડમેન-સીડ બર્નેસના નામે હતો. આ જોડીએ ૧૯૪૬-૪૭માં સિડની ખાતેની એશિઝ ટેસ્ટમાં ૪૦૫ રનની ભાગીદારી કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈ પણ દેશની હાઈએસ્ટ ટેસ્ટ ભાગીદારીનો નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના કોલીન કાઉન્ડ્રી અને પીટર મેના નામે હતો. તેમણે ૧૯૫૭માં રમાયેલી ટ્રેન્ટબ્રિજ ટેસ્ટમાં ચોથી વિકેટની ભાગીદારીમાં ૪૧૧ રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયેલી આ બીજા ક્રમની સૌથી મોટી ભાગીદારી છે. વોજીસ-માર્શ ૧૯૩૪માં ડોન બ્રેડમેન અને બિલ પોર્ટરફિલ્ડે નોંધાવેલી ૩૫૨ની ભાગીદારીથી માત્ર ત્રણ જ રન દૂર રહ્યા હતા. જ્યારે ટેસ્ટ ઇતિહાસની સર્વોચ્ચ ભાગીદારીમાં આ જોડીને પાંચમો ક્રમ મળ્યો છે. ટોચના ક્રમે સંગાકારા-જયવર્દનેની જોડી ૬૨૪ રનની ભાગીદારી સાથે છે. જે તેઓએ જુલાઈ,૨૦૦૬માં સાઉથ આફ્રિકા સામેની કોલંબો ટેસ્ટમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો.