મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને સતત ઇજાઓથી ત્રાસી જઇને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે વોટસનની ૧૦ વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો છે, જેમાં તેણે ૫૯ ટેસ્ટમાં ૩૭૩૧ રન ફટકારવાની સાથે ૭૫ વિકેટ પણ ઝડપી હતી. ૩૪ વર્ષીય વોટસનને એશિઝ ટેસ્ટની પ્રથમ કાર્ડિફ ટેસ્ટમાં મેદાન પર ઉતારાયો હતો. જેમાં તેણે અનુક્રમે ૩૦ અને ૧૯ રન કર્યા હતા, પરંતુ તેને એકેય વિકેટ મળી નહોતી. આ પછી તેને ટીમમાંથી પડતો મૂકાયો હતો. વોટસને તેની નિવૃત્તિની જાહેરાત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની વેબસાઇટ પર કરી હતી.
વોટસને લખ્યું હતું કે ગત મહિનાના અનુભવ બાદ આ નિર્ણય લેવો આસાન ન હતો. મને લાગે છે કે, મારા માટે ખસી જવાનો આ યોગ્ય સમય છે. મને આશા છે કે હું હજુ પણ વન-ડે અને ટ્વેન્ટી-૨૦ રમી શકું તેમ છું. મારા હૃદયમાં અનેક લાગણીઓ ઉભરાઇ રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહની વિચારણાઓ બાદ મેં નિવૃત્તિનો નિર્ણય લીધો છે.