કોલકતાઃ ટીમ ઇંડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી સામે તેની પત્નીએ ઘરેલુ હિંસા, મારપીટ, ધાકધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આની સાથોસાથ તેણે શમી સામે મેચફિક્સિંગમાં સંડોવણી તેમજ અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબંધોના આક્ષેપો પણ કર્યા છે.
પત્ની હસીનજહાંએ પતિ ઉપરાંત તેના પરિવારના ચાર સભ્યો સામે જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં શમી ઉપરાંત તેની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ છે. ફાસ્ટ બોલર પતિ પર હત્યાના પ્રયાસનો જ્યારે તેના ભાઈ પર દુષ્કર્મનો કેસ નોંધાવાયો છે.
હસીનજહાંનો આરોપ છે કે શમીએ તેને ભાઈ સાથે શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરી હતી. આ ઉપરાંત તેણે શમી સામે મેચ ફિક્સિંગમાં સંડોવણીનો આરોપ મૂક્યો છે. જોકે આનો ઉલ્લેખ તેણે પોલીસ ફરિયાદમાં કર્યો નથી. હસીનજહાંએ પહેલા સોશિયલ મીડિયા ઉપર શમી પર આરોપ લગાવ્યા હતા. પછી ફરિયાદ નોંધાવી હતી.
આમ શમીની બેવફાઈથી શરૂ થયેલો મામલો હવે વધુ ગંભીર બન્યો છે. મીડિયામાં વહેતા અહેવાલ અનુસાર શમીનો એક ખાનગી ફોન તેની પત્ની હસીનજહાંના હાથમાં આવી ગયો હતો, જેમાં તેની અન્ય યુવતીઓ સાથેના ટેક્સ્ટ મેસેજીસ હતા. આ પછી તેની જિંદગીમાં ઝંઝાવત સર્જાયો છે. હસીનજહાંએ ઓડિયો ક્લિપ જાહેર કરી છે. ઓડિયોમાં શમી દ્વારા અલિસ્બા નામની યુવતીને મળવાનો ઉલ્લેખ કરાયો છે. ફોન કોલમાં નાણાં અંગે પણ વાતચીત થઈ રહી છે.
હું વાત કરવા તૈયાર: શમી
હસીનજહાંના આરોપો અંગે શમીએ કહ્યું કે, હું આ મામલે વાત કરવા તૈયાર છું. જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ આવે તો તેનાથી સારું બીજું શું હોઈ શકે? આ મુદ્દાનો ઉકેલ અમારા બંને અને અમારી દીકરી માટે યોગ્ય રહેશે. મને બોલાવશે ત્યાં વાતચીત કરવા જઇશ. જોકે હસીનજહાંએ કહ્યું કે, શમીએ ભૂલ કરી પરંતુ મેં ઘર બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે ઝઘડો ઘણો મોટો થઈ ગયો છે અને શમીએ જે પણ કહેવું હશે તે તેના વકીલ દ્વારા વાત કરે.