ગુઆડાલાજરાઃ હરિયાણાની ૧૬ વર્ષીય મનુ ભાકરે વિમેન્સ ૧૦ મીટર એર પીસ્તોલ ઇવેન્ટમાં ચેમ્પિયનશિપ જીતીને આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે ફાઇનલમાં ૨૩૭.૫નો સ્કોર કર્યો હતો. મનુ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર સૌથી યુવા ભારતીય શૂટર બની ગઈ છે. આ મનુનો પ્રથમ વર્લ્ડ કપ છે. તેણે ફાઇનલમાં બે વખતની વર્લ્ડ કપ ફાઇનલ વિજેતા મેક્સિકોની એલેઝેન્ડ્રા જાવાલાને હરાવી હતી.
મનુ શૂટિંગ પહેલાં છ અન્ય રમતોમાં પણ હાથ અજમાવી ચૂકી છે, અને દરેકમાં તેણે જ્વલંત સફળતા મેળવી છે. ચાલુ વર્ષના એપ્રિલમાં તેણે શૂટિંગમાં પદાર્પણ કર્યાના બે વર્ષ પૂરા થઈ જશે. તે અત્યાર સુધી કરાટે, થાંગટા, સ્કેટિંગ, સ્વિમિંગ, ટેનિસ તથા ટાંતા રમી ચૂકી છે. માર્શલ આર્ટસમાં તો તેણે નેશનલ સ્તરે મેડલ્સ જીત્યા છે. ટાંતામાં તે સતત ત્રણ વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂકી છે. સ્કેટિંગમાં પણ સ્ટેટ મેડલ જીતી ચૂકી છે.