ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટ શોએબ મલિક અને ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના લગ્નજીવનનો અંત આવી ગયો છે. શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કરી લીધા છે. જોકે, શોએબે સાનિયાને તલાક આપ્યા વગર જ આ નિકાહ કર્યા હતા, એવામાં હવે સાનિયા મિર્ઝાએ શોએબ મલિકને છોડી દીધો છે અને પોતે ‘ખુલા’ લઈને અલગ થઈ ગઈ છે.
અગાઉ શોએબ મલિકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે શોએબે સાનિયાને તલાક આપી દીધા છે. જ્યારે સાનિયા મિર્ઝાના પરિવારનો દાવો છે કે શોએબે તલાક નહોતા આપ્યા પણ સોનિયા મિર્ઝાએ ખુદ ‘ખુલા’ લઇને અલગ થઇ ગઇ છે. ખુલા એક એવી છૂટ છે જે ઇસ્લામિક દેશોમાં મહિલાઓને મળેલી છે. જો કોઈ મહિલા પોતાના પતિ સાથે રહેવા ના માગતી હોય અને તલાકની માગણી કરે પણ તેનો પતિ તલાક ના આપે તો મહિલા શરિયતના કાયદાનો ઉપયોગ કરીને ‘ખુલા’થી પણ પોતે પતિને તલાક આપી શકે છે.
સાનિયા સાથેના 13 વર્ષના લગ્નજીવનનો અંત
સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે શોએબ તરફથી તલાક ના અપાયા માટે સાનિયાએ ‘ખુલા’થી છુટા પડવાનો નિર્ણય લેવામાં આવ્યો. એટલે કે સાનિયા મિર્ઝાએ પોતાની તરફથી શોએબ મલિકને તલાક આપ્યા હતા. જોકે બન્ને અલગ થવા છતાં સોશિયલ મીડિયા પર એકમેકને ફોલો કરી રહ્યા છે. સાનિયાએ ઇન્સ્ટાગ્રામ પરથી શોએબ સાથેની તસવીરો ડિલિટ કરી દીધી છે. બન્નેએ 2010માં નિકાહ કર્યા હતા, એટલે કે આ નિકાહનો આશરે 13 વર્ષે અંત આવ્યો હતો.