દુબઈ: એશિયા કપ-2022 પર છેવટે શ્રીલંકાએ કબજો કર્યો છે. શ્રીલંકા છઠ્ઠી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાએ 23 રને પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો. પાકિસ્તાનનો દાવ 147 રનમાં સમેટાઈ ગયો હતો. હસીરંગાની 3 વિકેટના પગલે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું હતું. એક તબક્કે તે હેટ્રિક પર આવી ગયો હતો. રિઝવાનને હસીરંગાએ આઉટ કર્યા બાદ મેચ એકતરફી બની ગઈ હતી. આ અગાઉ એશિયા કપની ફાનલમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં રાજપક્સેના તોફાની 71 રનની મદદથી 6 વિકેટના ભોગે 170 રન નોંધાવ્યા હતા. આમ એશિયા કપ જીતવા માટે પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકા હસરંગા અને રાજપક્સેની અર્ધસદીની ઝડપી ભાગીદારીની મદદથી આ સ્કોર સુધી પહોંચી શક્યુ હતું. શ્રીલંકાની શરૂઆતની વિકેટ્સ ટપોટપ પડી ગઈ હતી. પાકિસ્તાન તરફથી હેરિસ રઉફે ચાર ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ, એશિયા કપના ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.