વિશાખાપટ્ટનમ્ઃ ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ટીમ ઇંડિયાએ જોમદાર દેખાવ કરતાં શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં મહેમાન શ્રીલંકાને હરાવીને મેચની સાથે ૨-૧થી સીરિઝ પણ જીતી લીધી હતી. ૩૭ બોલ બાકી રાખીને ભારતે હાંસલ કરેલો આ વિજય સૌથી નાના ફોર્મેટમાં સૌથી મોટો વિજય છે. અગાઉ ૨૦૧૦માં ભારતે અફઘાનિસ્તાન સામે ૩૧ બોલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. મેચમાં માત્ર આઠ રન આપીને ચાર મહત્ત્વની વિકેટ ઝડપનાર અશ્વિનને મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો. આ વિજય સાથે ભારતે આઇસીસી રેન્કીંગમાં પણ નંબર વનનું સ્થાન જાળવ્યું હતું.
રવિવારે રમાયેલી આ મેચમાં ઓફ સ્પિનર અશ્વિને આઠ રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ઓપનર શિખર ધવને નોંધાવેલા અણનમ ૪૬ રનની મદદથી ભારતે શ્રીલંકાને નવ વિકેટે પરાજય આપ્યો હતો. શ્રીલંકાનો દાવ તેના અત્યાર સુધીના સૌથી ઓછા - ૮૨ રનના જુમલે સમેટાયો હતો. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે ૧૩.૫ ઓવરમાં એક વિકેટના ભોગે મુકાબલો આસાનીથી જીતી લીધો હતો. ધવને ૪૬ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા એક સિક્સર ફટકારી હતી. રહાણેએ અણનમ ૨૨ રન કર્યા હતા.
ધોનીએ મેચની પ્રથમ ઓવર સ્પિનર અશ્વિન પાસે નંખાવી હતી, જેણે ત્રીજા તથા છઠ્ઠા બોલે ડિકવેલા (૧) તથા દિલશાન (૧)ને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. આ પછી તેણે ચંદીમલ તથા ગુણરત્નેને પણ આઉટ કરતા શ્રીલંકાએ ૨૦ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી હતી. નેહરાએ સિરીવર્દનેને માત્ર ચાર રનના વ્યક્તિ સ્કોર પર પેવેલિયનમાં પરત મોકલતા પ્રવાસી ટીમે ૨૧ રનના સ્કોરે અડધી ટીમ ગુમાવી દીધી હતી. સનાકાએ ૨૪ બોલમાં ૧૯ અને પરેરાએ ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે રૈનાએ બે તથા નેહરા, બુમરાહ તથા જાડેજાએ એક-એક વિકેટ ખેરવી હતી.
બીજી ટી૨૦ઃ રાંચી
મેન ઓફ ધ મેચ શિખર ધવનના ૫૧ રન અને હાર્દિક પંડ્યાના માત્ર ૧૨ બોલમાં આક્રમક ૨૭ રન બાદ બોલરોની વેધક બોલિંગની મદદથી ભારતે પ્રવાસી શ્રીલંકાની બિનઅનુભવી ટીમને કદ પ્રમાણે વેતરી નાખતા ૬૯ રને પરાજય આપ્યો હતો. ૧૧ ફેબ્રુઆરીએ ધોનીના હોમગ્રાઉન્ડમાં રમાયેલી આ મેચમાં ભારતના છ વિકેટે ૧૯૬ રનની સામે શ્રીલંકાએ નવ વિકેટે ૧૨૭ રન કર્યા હતા.
શ્રીલંકાના કેપ્ટન ચંદિમલે ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગમાં ઊતારી હતી. કેપ્ટનને તેનો નિર્ણય ભારે પડ્યો હતો. ઓપનરો શિખર ધવન અને રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું ખાસ કરીને શિખરે માત્ર ૨૫ બોલમાં સાત બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે ૫૧ રન ઝૂડી કાઢ્યા હતા. તેણે ચમિરા આઉટ કર્યો હતો.