કોલંબોઃ શ્રીલંકાએ ઓપનર કરુણારત્ને તથા કેપ્ટન એન્જેલો મેથ્યુઝની શાનદાર ઇનિંગ્સની મદદથી સોમવારે અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી છે.
આ મેચ જીતવા માટે શ્રીલંકાને ૧૫૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે પાંચમા દિવસના લંચ પહેલાં જ હાંસલ કરી લીધો હતો. કરુણારત્નેએ ૫૭ બોલમાં ૫૦ તથા મેથ્યુઝે અણનમ ૪૩ રન બનાવ્યા હતા. આ બન્નેએ પોતાની ઇનિંગ્સમાં ચાર-ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. ધમિકા પ્રસાદને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આ વિજય સાથે શ્રીલંકાએ અહીંના પી. સારા ઓવલ ખાતે સતત મેચ હારવાની પરંપરાને તોડી નાખી હતી. અહીં સતત ત્રણ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગાલે ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો ૧૦ વિકેટે પરાજય થયો હતો.