શ્રીલંકાએ હરાવતા હવે એશિયા કપમાં ભારતનું ભાવિ અદ્ધરતાલ

Wednesday 07th September 2022 15:18 EDT
 
 

દુબઇઃ એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં પરાજય સાથે જ ટીમ ઇંડિયા પર ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટે પાર પાડી લીધો હતો. શ્રીલંકાના ઓપનર્સ પથુમ નિસાંકા (52) અને કુસલ મેન્ડિસે (57) શ્રીલંકાની જીતનો પાયો નાખ્યો હતો. તો કેપ્ટન દાસુન શાનાકાએ 18 બોલમાં 33 રન ફટકાર્યા હતા. ભાનુકા રાજપક્ષેએ 25 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી. આર. અશ્વિને 1 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રોહિત શર્માએ 41 બોલમાં 72 રન કર્યા હતા. તેની આ કેપ્ટન ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 175.61ની રહી હતી. શ્રીલંકા તરફથી સૌથી સફળ બોલર દિલશાન મધુશંકા રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન સામે પરાજય ભારે પડ્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી બીજી મેચમાં પરાજય સાથે જ ભારતની મુશ્કેલીમાં વધારો થયો હતો. પાકિસ્તાને અંતિમ બોલે રન ચેઝ કરીને ભારતને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે તેણે આ ટૂર્નામેન્ટમાં પોાતનું પલડું સરભર કર્યું હતું. રિઝવાનના વિસ્ફોટક 71 રનની મદદથી પાકિસ્તાન જીત્યું હતું. ભારતના મિડલ ઓર્ડરની જેમ બોલિંગ ઓર્ડર પણ કંગાળ રહ્યો હતો. પહેલી બેટિંગ કરતાં ભારતે 181 રન બનાવ્યા હતા. ભારતના વિરાટ સ્કોરના શિલ્પી તરીકે કિંગ કોહલી મોખરે રહ્યો હતો. તેણે પાકિસ્તાન સામે આ ટૂર્નામેન્ટમાં પહેલી અડધી સદી નોંધાવી હતી. કોહલીએ 44 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું હતું. કોહલી ઉપરાંત રોહિત અને રાહુલે પણ 28-28 રનનું યોગદાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને આ સિરીઝમાં આઠ વર્ષ બાદ ભારતને હરાવ્યું હતું. દુબઈમાં સતત 11મી ટી20 ઇન્ટરનેશનલમાં રન ચેઝ કરનાર ટીમનો નવમી વખત વિજયી થયો હતો.

ભારત માટે જો અને તો...
શ્રીલંકામાં સામે હાર મળ્યા બાદ ભારત એશિયા કપમાંથી લગભગ બહાર ફેંકાય ગયું છે. હવે ટૂર્નામેન્ટમાં તેના ટકવાનો આધાર અન્ય ટીમની હાર-જીત પર નિર્ભર કરે છે. ભારત આ રીતે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે...
• ભારતે સુપર-4ની પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવવું પડશે.
• અફઘનિસ્તાને પાકિસ્તાન હરાવવું પડશે.
• શ્રીલંકાની ટીમે પણ પાકિસ્તાનને હરાવવું પડશે.
આ બધું થયા પછી શ્રીલંકા કુલ 6 પોઇન્ટ્સ સાથે નંબર-1 પર આવી જશે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 2-2 પોઇન્ટ્સ થશે. આ ત્રણેય ટીમમાંથી ભારતનો નેટ રન રેટ સૌથી સારો હોવો જરૂરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter