કોલંબોઃ ભારત સામેની બીજી ટેસ્ટ મેચના સમાપન સાથે જ શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાએ ૧૫ વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી છે. મેદાનમાં અતિ આક્રમકતા સાથે રમનાર ૩૭ વર્ષીય સંગાકારા સોમવારે પોતાના વિદાય સંબોધન વેળા અત્યંત ભાવુક બની ગયો હતો.
સંગાકારાએ સૌથી પહેલાં પોતાની સ્કૂલના પ્રિન્સિપાલ, કોચ, પોતાના પરિવાર અને સમર્થકોનોઆભાર માન્યો હતો. જોકે સંગાકારા પોતાના પરિવાર તરફ નજર નાખી ત્યારે એકદમ ભાવુક બની ગયો હતો અને આંખોમાં આંસુ આવી ગયા હતા. લાગણીવશ સંગાકારાએ જણાવ્યું હતું કે જ્યારે પણ મને પુછવામાં આવ્યું છે કે મારી પ્રેરણા કોણ છે ત્યારે મેં હંમેશાં કહ્યું છે કે મારો પરિવાર, જેમણે હું જીતું કે હારું - સતત મને સમર્થન આપ્યું છે. હું ભાવુક બનવા માગતો નહોતો, પરંતુ જ્યારે મારો સમગ્ર પરિવાર અહીં મારા માટે મેદાનમાં હાજર છે ત્યારે સંયમ જાળવવો મુશ્કેલ છે. આ પ્રસંગે મેદાનમાં ઉપસ્થિત તેના માતાપિતા અને પત્ની પણ ભાવુક થઇ ગયા હતા.
હાઇ કમિશનર બનવા ઓફર
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરનાર કુમાર સંગાકારાને બ્રિટનમાં હાઇ કમિશનર બનવાની ઓફર કરતાં શ્રીલંકન ટીમ સહિત સ્ટેડિયમમાં હાજર રહેલા તમામ સમર્થકો સ્તબ્ધ થયા હતા. સંગાકારાની વિદાયને વધારે યાદગાર બનાવવા માટે મેદાન પર વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘે પણ હાજર હતા. બંનેએ સ્મૃતિચિહનો આપીને સંગાકારાનું સન્માન કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિએ સંગાકારાને બ્રિટનમાં હાઇ કમિશનર બનવાની ઓફર કરી હતી.
સંગાકારા ક્રિકેટનો એમ્બેસેડર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેવ રિચાર્ડ્સને કુમાર સંગાકારાના વખાણ કરીને જણાવ્યું હતું કે સંગા વિશ્વ ક્રિકેટનો મહાન એમ્બેસેડર છે જેણે પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન બેટિંગ, વિકેટકીપિંગ તથા પોતાના વ્યક્તિત્વથી પ્રેરણાદાયી પ્રદર્શન કર્યું છે. તે મહાન ખેલાડીઓમાં એક છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું કે સંગાકારા વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવે છે.
કોહલીએ અનોખી ભેટ આપી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કુમાર સંગાકારાને પોતાની ટીમ તરફથી તમામ ખેલાડીઓના હસ્તાક્ષરવાળી ટી-શર્ટ આપીને શાનદાર કારકિર્દી બદલ સંગાકારાને અભિનંદન પણ આપ્યા હતા. કોહલીએ જણાવ્યું હતું કે લિજેન્ડરી ક્રિકેટરના યુગમાં હું રમી શક્યો છું તેનો મને ગર્વ છે. સંગાકારાએ જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. તમે ઘણા યુવાઓને પ્રેરણા આપી છે.