નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ભલે પૂર્વ પેસ બોલર એસ. શ્રીસંત અને અંકિત ચવ્હાણને આઈપીએલ ૨૦૧૩ સ્પોટફિક્સિંગના આરોપમાંથી દોષમુક્ત કર્યા હોય, પણ આ બન્ને ખેલાડી પરના આજીવન પ્રતિબંધ પર ફેરવિચારણા નહીં કરાય. શ્રીસંત, ચવ્હાણ અને અજિત ચંદિલાત સહિત ૩૬ આરોપીઓને ગત સપ્તાહે પતિયાલા હાઉસ કોર્ટે આઇપીએલ - સિઝન છના સ્પોટફિક્સિંગના આરોપોમાંથી મુક્ત કર્યા છે.
કેરળ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઇને વિનંતી કરી છે કે શ્રીસંતને ફરી રમવાની મંજૂરી આપવી જોઇએ. બોર્ડે તેમના પર લદાયેલા આજીવન પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરી દીધો છે. બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બન્ને ક્રિકેટરો પર લાગેલા આજીવન પ્રતિબંધ પર ફેર વિચારણા નહીં કરાય. તેમણે પત્રકારોને કહ્યું કે બીસીસીઆઇની શિસ્ત સમિતિ દ્વારા લગાવાયેલો પ્રતિબંધ જારી રહેશે.