નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે દોષિત ઠર્યા બાદ સાત વર્ષના પ્રતિબંધની સજાનો સામનો કરી રહેલા પેસ બોલર એસ. શ્રીસંતની સજા રવિવારે પૂરી થઇ છે. હવે તે કોઇ પણ પ્રકારની ક્રિકેટ રમવા માટે મુક્ત છે. લાંબો પ્રતિબંધ પૂરો થતાં શ્રીસંત ખૂબ ખુશ છે.
શ્રીસંતે જણાવ્યું હતું કે હવે હું તમામ પ્રકારના આરોપોમાંથી મુક્ત થઇ ચૂક્યો છું અને ફરીથી ક્રિકેટ રમી શકું છું. હવે મેદાન ઉપર જ્યારે પણ તક મળશે ત્યારે હું પ્રત્યેક બોલે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ. મારી પાસે હજુ ક્રિકેટ રમવાના પાંચથી સાત વર્ષ બાકી છે. હું જે પણ ટીમ માટે રમીશ તેના માટે હું ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશ.
શ્રીસંત જો પોતાની ફિટનેસ સાબિત કરશે તો તે આગામી સિઝનમાં કેરળ સ્ટેટ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી શકે છે. તેને કેરળ ક્રિકેટ એસોસિયેશને પણ તક આપવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કારણે ચાલુ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટને સ્થગિત કરી દેવામાં આવી છે.
સ્પેશિયલ કોર્ટે આક્ષેપમુક્ત કર્યો હતો
સાત વર્ષ પહેલાં દિલ્હી પોલીસે મેચફિક્સિંગના મામલે શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી અજિત ચંદિલા તથા અંકિત ધવનની ધરપકડ કરી હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ત્રણેય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ શ્રીસંતે લાંબી કાનૂની લડત આપી હતી અને ૨૦૧૫માં તેને સ્પેશિયલ કોર્ટે આક્ષેપોમાંથી મુક્ત પણ કર્યો હતો. બે વર્ષ પહેલાં હાઇ કોર્ટે તેની ઉપર લાદવામાં આવેલો આજીવન પ્રતિબંધ પણ હટાવી દીધો હતો. આ પછી ૨૦૧૮માં કેરળ હાઇ કોર્ટે તેની ઉપરના પ્રતિબંધને રદ કર્યો હતો પરંતુ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે તેની ઉપરના આક્ષેપોને જારી રાખ્યા હતા. જોકે બીસીસીઆઇએ શ્રીસંતની સજાને ઘટાડવાની અપીલ કરી હતી.