મુંબઇ: ટીમ ઇન્ડિયાના પૂર્વ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના પુત્ર અને 23 વર્ષના ડાબોડી બોલર અર્જુન તેંડુલકરે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ છે. અર્જુનને રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો હતો. આ સાથે જ ઇતિહાસ રચાયો છે. પિતા-પુત્ર એક જ ફ્રેન્ચાઇઝીમાંથી રમ્યા હોય તેવી આઇપીએલની આ પ્રથમ ઘટના છે. ઉલ્લેખનીય છે કે સચિન પણ મુંબઇ ઇંડિયન્સમાંથી રમી ચૂક્યો છે. મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ રવિવારે અર્જુનને મુંબઇની કેપ સોંપી હતી. અર્જુનને પ્લેઇંગ ઇલેવનમાં અરશદ ખાનના સ્થાને સમાવાયો હતો. અર્જુનને આઇપીએલ 2022ની હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે 30 લાખની બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો અને 2023 માટે પણ તેને ટીમમાં સ્થાન અપાયું હતું. અર્જુનને પહેલા 2021માં મુંબઇએ 20 લાખની બેઝ પ્રાઇઝ પર ટીમમાં સામેલ કર્યો હતો. આઇપીએલ 2021 દરમિયાન ઇજાને કારણે અર્જુનને ટીમ બહાર કરી દેવાયો હતો. તે સીઝનમાં એકપણ મેચ નહોતો રમ્યો. અર્જુનને ગયા વર્ષે ડિસેબરમાં મુંબઇની રણજી ટ્રોફી ટીમમાં પણ સામેલ કરાયો હતો. અર્જુન લોઅર ઓર્ડર બેટ્સમેન છે.