નવી દિલ્હીઃ ભારતીય સુકાની વિરાટ કોહલીને ૨૦૧૬માં કરેલા ધમાકેદાર પ્રદર્શનનું સારું ફળ મળ્યું છે અને તેના જગવિખ્યાત વિઝડન ક્રિકેટર્સ આલ્મેનાકના કવરપેજ પર તેને સ્થાન મળ્યું છે. કવર પેજ પર કોહલી સ્વિપ શોટ રમતો જોવા મળી રહ્યો છે. કોહલીએ ૨૦૧૬માં ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને કુલ ૨૫૯૫ રન બનાવ્યા હતા. તે ગયા વર્ષે વિશ્વમાં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર બન્યો હતો.
કોહલી હવે સચિન તેંડુલકર બાદ વિઝડનના કવર પેજ પર સ્થાન મેળવનાર ભારતનો બીજો ક્રિકેટર બન્યો છે. સચિનને ૨૦૧૪માં સન્માન મળ્યું હતું. એશિયન મૂળના ક્રિકેટર્સની વાત કરીએ તો સચિન અને કોહલીને બાદ કરતાં માત્ર મોઇન અલી (૨૦૧૫)ને કવર પેજ પર સ્થાન મળ્યું હતું.
વિઝડનના સંપાદક લોરેન્સ બૂથે જણાવ્યું હતું કે કોહલી વર્તમાન ક્રિકેટનું પ્રતીક છે અને કવર પેજ પર બિનપરંપરાગત હોવું જોઇએ તેવું અમને લાગ્યું છે અને કારણથી રિવર્સ સ્વિપ રમતા કોહલીની તસવીર લગાવવામાં આવી છે. ક્રિકેટમાં સતત ફેરફાર થઇ રહ્યા છે અને તેના માટે કોહલી સાચો વ્યક્તિ છે.