લાસ વેગાસઃ ટી-મોબાઈલ અરેનામાં યોજાયેલી સદીની સૌથી મોટી બોક્સિંગ ફાઈટમાં મિકસ્ડ માર્શલ આર્ટ્સના આઈકન ગણાતા કોનોર મેકગ્રેગોરને હરાવી અમેરિકાનો ફ્લોઈડ મેવેધર ચેમ્પિયન બન્યો છે. પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી અપરાજિત રહેલો મેવેધર બે વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો હતો. આ વિજય સાથે તેણે કારકિર્દીની ૫૦મી જીત મેળવી હતી, જેમાંથી આ તેનો ૨૭મો નોકઆઉટ વિજય હતો.
આ વિજય સાથે જ ‘મની મેન’ તરીકે ઓળખાતો મેવેધર ‘હિસ્ટ્રી મેન’ બની ગયો છે. આ વિજય સાથે તેણે બોક્સિંગ રિંગને અલવિદા કરી છે. એક અહેવાલ મુજબ આ મુકાબલા પર ૩૮૩૨ કરોડ રૂપિયાનો દાવ લાગ્યો હતો. કારકિર્દીના અંતિમ મુકાબલામાં જીત મેળવતાની સાથે મેવેધરે અમેરિકાના અન્ય મહાન બોક્સ રોકી માર્સિયાનોનો ૪૯ મેચમાં અજેય રહેવાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
જીત મેળવ્યા બાદ મેવેધરે જણાવ્યું હતું કે હું આ જીતથી અત્યંત ખુશ છું. આ મુકાબલા દરમિયાન મેકગ્રેગોરે ખરેખર સારી ફાઈટ આપી હતી, પરંતુ હું મારા પ્લાન મુજબ લડ્યો હતો જેને કારણે મેં જીત મેળવી હતી. બીજી તરફ મેકગ્રેગોરે મેવેધરની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે શાનદાર બોક્સર છે. તે વધારે ઝડપી કે વધારે શક્તિશાળી ન હતો, પરંતુ તેણે અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. મારા મતે મુકાબલાને થોડો વહેલો રોકી દેવાાયો હતો. હું ફક્ત થોડો થાકી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દુનિયાની નજર આ હાઇપ્રોફાઇલ ફાઈટ પર હતી અને તેમાં પહેલેથી જ મેવેધરને ચેમ્પિયન બનવા પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. ૧૨ રાઉન્ડના આ મુકાબલામાં મેવેધરે ૧૦મા રાઉન્ડમાં જ જીત મેળવી લીધી હતી. મેવેધરે પોતાના દમદાર પંચની મદદથી કોનોર મેકગ્રેગોરને પરાજય આપીને સળંગ ૫૦મો વિજય નોંધાવ્યો હતો.
મેવેધરે ચોથા રાઉન્ડથી જ ફાઇટ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ૧૦મા રાઉન્ડમાં મેકગ્રેગોર થાકેલો જોવા મળ્યો હતો અને મેવેધરે તેને ઉપરાઉપરી બે પંચ માર્યા બાદ રેફરી રોબર્ટ બાયર્ડે મુકાબલાને ટેકનિકલ નોકઆઉટ જાહેર કર્યો હતો.
મેવેધરને મળ્યા ૨૦૦ મિલિયન ડોલર
આ મુકાબલાથી મેવેધરને અંદાજીત ૨૦૦ મિલિયન ડોલર મળ્યા છે. આ સાથે જ તેની કારકિર્દીની કુલ કમાણી અંદાજીત એક બિલિયન ડોલરના આંકડા પર પહોંચી ગઈ છે. બીજી તરફ ભૂતકાળમાં પ્લમ્બરનું કામ કરનારા અને અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સ્ટાર ખેલાડી મેકગ્રેગોરને આ મુકાબલાથી અંદાજીત ૧૦૦ મિલિયન ડોલરની કમાણી કરી છે.
આ મારો અંતિમ મુકાબલોઃ મેવેધર
મેવેધરે કહ્યું હતું કે આ મારો અંતિમ મુકાબલો હતો. ૪૦ વર્ષીય અમેરિકન બોક્સર તેની કારકિર્દીનો ૫૦મો મુકાબલો રમ્યો હતો અને તેણે તમામ મુકાબલા જીત્યા છે. આ સાથે તેણે લિજેન્ડરી બોક્સર રોકી માર્સિયાનોને પાછળ રાખી દીધો હતો. મેવેધરે કહ્યું હતું કે તમે કેવી રીતે જીત્યા છો તે મહત્ત્વનું નથી, પરંતુ વિજય એ વિજય હોય છે. રોકી માર્સિયાનો લિજેન્ડ છે અને મારી ઈચ્છા છે કે મારું નામ હોલ ઓફ ફેમમાં સામેલ થાય.
અંતિમ ફાઇટ બાદ મેવેધરે કહ્યું હતું કે મેં ધાર્યો હતો તેના કરતા મેકગ્રેગોર વધારે મજબૂત બોક્સર નીકળ્યો. તે એક પડકારજનક પ્રતિસ્પર્ધી છે પરંતુ આજે હું તેના કરતા વધારે મજબૂત સાબિત થયો હતો. તેણે કહ્યું હતું કે મેં ઈરાદાપૂર્વક શરૂઆતમાં વધુ સમય લીધો હતો. મેવેધરે પોતાની રણનીતિ અંગે કહ્યું હતું કે મારો ગેમપ્લાન એ હતો કે હું વધારે સમય લઉ અને તેને વધારે તક આપું. તે શરૂઆતમાં વધારે પંચ મારે તેવું જ હું ઈચ્છતો હતો.
દિગ્ગજોનો મેળાવડો
બહુચર્ચિક મુકાબલાને જોવા માટે હોલીવૂડ અને રમતજગતની દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી. જેમાં અભિનેતા લિઓનાર્ડો ડી’કેપ્રિયો, ગેરાર્ડ બટલર, પોપ સિંગર જેનિફર લોપેઝ, સિંગર ડેમી લોવાટો, અભિનેતા બ્રુસ વિલિસ, ભૂતપૂર્વ બોક્સર માઈક ટાઈસન, એનબીએની ક્લિવલેન્ડ કેવેલિયર્સ ટીમનો સ્ટાર ખેલાડી લેબ્રોન જેમ્સ, ઓસ્કર વિનિંગ એક્ટ્રેસ ચાર્લિઝ થેરોન, રેપર પી.ડીડ્ડી, લિજેન્ડરી બોક્સર સુગર રે લિયોનાર્ડ ઉપરાંત અન્ય દિગ્ગજ હસ્તીઓનો સમાવેશ થતો હતો.