રાંચીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે 3-1ની સરસાઈ સાથે ટેસ્ટ શ્રેણી વિજય નિશ્ચિત કર્યા પછી યુવા ક્રિકેટરોને ચીમકી આપી હતી કે, ‘ટીમ મેનેજમેન્ટ હવે એ બાબતે સ્પષ્ટ છે કે તેઓ એવા ખેલાડીઓને તક આપશે જેઓમાં સફળતા માટેની ભૂખ હોય.’
શ્રેયસ અને ઇશાન સામે ઇશારો
રોહિત શર્માનો સ્પષ્ટ ઇશારો શ્રેયસ ઐયર અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ તરફ હતો જેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્દેશની પણ પરવા કર્યા વગર ઘરઆંગણાનું ક્રિકેટ નથી રમતા. યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન અને આકાશદીપ જેવા યુવા ક્રિકેટરોનું આ ટેસ્ટ શ્રેણી વિજયમાં મોટું યોગદાન છે. આ ઉપરાંત પસંદગી સમિતિએ રજત પાટીદારની પ્રતિભા જોતા તેને તક આપવાની જારી રાખી છે.
રોહિત શર્માએ આ યુવા ખેલાડીઓના કેટલાક વર્ષોથી ઘરઆંગણાના ક્રિકેટમાં જે મહેનત કરી છે તેવાની પ્રશંસા કરી છે અને અન્ય યુવા ક્રિકેટરોને ચીમકી આપી છે કે અમારી આવા ખેલાડીઓ પર નજર છે.
ટેસ્ટ ક્રિકેટનો પડકાર
રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘જેઓમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની ભૂખ નથી તેઓને ટીમમાં સામેલ કરવાનો કોઈ મતલબ નથી.’ રોહિત શર્માએ તે પછી ઉમેર્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટ તે પ્રકારનું ફોર્મેટ છે કે તેમાં તમને ઘણી ઓછી તક મળે છે. જો તે તમે નહીં ઝડપો તો ટીમમાં ટકી રહેવું અઘરૂં બની જતું હોય છે.
અમે રોમાંચક ક્રિકેટ રમ્યાઃ સ્ટોક્સ
કેપ્ટન સ્ટોક્સે કહ્યું હતું કે અમે શ્રેણી ભલે 1-3થી હારી ચૂક્યા છીએ પણ અમે જે રીતે મેચ રમ્યા છીએ તેને ચાહકો બિરદાવશે. ભલે 1-3નો માર્જિન લાગતો હોય પણ ચાહકો પણ સંમત થશે કે આ તમામ ટેસ્ટ રસાકસીભરી અને અપડાઉન થતી હતી. અમે પાંચમી ટેસ્ટમાં પણ જીતવા માટે જ ઉતરીશું. પ્રત્યેક ટીમ હંમેશા જીતવા માટે જ રમે છે અને તેની રીતની રણનીતિ અપનાવે છે. ઘણી હકારાત્મક બાબતો અમે હાંસલ કરી છે.
સ્ટોક્સે કહ્યું કે અમારું સ્પિન આક્રમણ ઘણું જ યુવા અને ઓછું અનુભવી હોવા છતાં તેઓએ ઉત્કૃષ્ટ બોલિંગ નાંખી છે. અમે ભવિષ્ય માટે સારા સ્પિનરો હાર્ટલી અને બશીર મેળવ્યા છે. સાથે સાથે જ તેણે જુરેલને બિરદાવ્યો હતો. કેપ્ટન સ્ટોક્સે ભારતના યુવા ખેલાડી જુરેલની ભરપુર પ્રશંસા કરતાં ઉમેર્યું હતું કે બંને ટીમ વચ્ચે આ ખેલાડીનું મક્કમ મનોબળ પણ જુદુ પાડતું હતું.