ઇસ્લામાબાદઃ ભારત સામે પરાજય થયા બાદ પાકિસ્તાન ટીમ પર ટીકાની ઝડી વરસી છે. કેપ્ટન સરફરાઝ અહમદ તમામના નિશાન ઉપર છે. જોકે સૌથી આકરો પ્રતિભાવ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આપ્યો છે. તેણે ટીમના પરાજય માટે સરફરાઝને જવાબદાર ગણાવીને તેને ‘બેવકૂફ કેપ્ટન’ ગણાવ્યો હતો.
અખ્તરે જણાવ્યું હતું કે કોઈ કેપ્ટન (સરફરાઝ) આટલો બધો બેવકૂફ કેવી રીતે હોય તેના કારણ મને સમજાતા નથી. પાકિસ્તાન રનચેઝમાં નબળું છે શું તેની સરફરાઝને ખબર નહોતી? તેને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાનની તાકાત તેની બેટિંગ નહીં પરંતુ
બોલિંગ છે. ટોસ જીતીને અડધી મેચ તો જીતી લીધી હતી, પરંતુ તેણે શું કર્યું? મેચ હારી જવાની તેણે તમામ કોશિશો કરી હતી. બેવકૂફ કેપ્ટન અને મહામૂર્ખ ટીમ મેનેજમેન્ટ...
૧૯૯૯માં ઇન્ઝમામ, યુસુફ, અનવર તથા શાહિદ આફ્રિદી જેવા બેટ્સમેનો હોવા છતાં પાક. ૨૨૭ રનચેઝ કરી શક્યું નહોતું. સરફરાઝે જોખમ લેવાની કોઈ જરૂર નહોતી.