મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બોલર શેન વોર્ન ક્રિકેટના મેદાન પર જેટલો મશહૂર હતો તેટલો જ મશહૂર મેદાન છોડ્યા પછી પણ છે. કેરિયર દરમિયાન અનેક વિવાદોમાં ઘેરાયેલા રહેલાં વોર્ન કેરિયર પૂર્ણ થયા બાદ પણ અંગત લાઇફના કારણે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. વોર્ન આજકાલ ફરી ચર્ચામાં છે અને આ વખતે તેણે મેચ ફિક્સિંગને લઈને સનસનાટી ભર્યો દાવો કર્યો છે.
વોર્ને દાવો કર્યો છે કે પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન તે સમયના પાક. ટીમના કેપ્ટન મલિકે તેને મોટી લાંચની ઓફર કરી હતી. વોર્ન કહે છે કે તેને ખરાબ બોલિંગ કરવા માટે કહેવાયું હતું. એક મુલાકાતમાં વોર્ને સ્પષ્ટતા કરી હતી કે ૧૯૯૪માં ઓસ્ટ્રેલિયાની ટીમ કરાચીમાં પાકિસ્તાન ટીમ સામે ટેસ્ટ મેચ રમતી હતી ત્યારે મેચના ચોથા દિવસે તેને પાક. કેપ્ટન સલીમ મલિક દ્વારા ખરાબ બોલિંગ કરવા ૨.૭૬ લાખ ડોલરની લાંચની ઓફર કરાઇ હતી. વોર્ને જણાવ્યું હતું કે અમને ભરોસો હતો કે અમે યજમાન ટીમને હરાવી જ દઈશું.
કેપ્ટન મલિકના કાલાવાલા
વોર્ને જણાવ્યું હતું કે મલિકે તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને પોતે મલિકને મળ્યો પણ હતો. બન્ને બેસીને મેચ અંગે વાત કરવા લાગ્યા હતા. વોર્ન કહે છે કે જ્યારે મેં કહ્યું કે મને લાગે છે કે અમે આવતીકાલે જીતી જઈશું ત્યારે મલિકે જણાવ્યું હતું કે અમે હારી શકીએ નહીં. તમે નથી જાણતા પણ જો અમે ઘરઆંગણે હારી જઈશું તો લોકો અમારા ઘર સળગાવી દેશે. વોર્ન કહે છે કે તે પછી મલિકે મને અને મારા સાથી ખેલાડીઓને લાંચની ઓફર કરી હતી અને મને વાઇડ બોલ ફેંકવા જણાવ્યું હતું. વોર્ને જોકે પાક. કેપ્ટનને જણાવ્યું હતું કે ના, અમે તો તમને હરાવી જ દઈશું. વોર્ને માહિતી તરત જ આ વાત કેપ્ટન માર્ક ટેલર, કોચ અને મેચ રેફરીને પહોંચાડી હતી.